News of Sunday, 25th October 2026
જામનગરમાં નેત્રમ શાખાની સરાહનીય કામગીરી : ૧૫ લાખની કિંમતના ૧૧ તોલા સોનાના દાગીના ભરેલી થેલી ગુમાવનાર મહિલાને ગણતરીના કલાકોમાં મળ્યા પરત : જુઓ વિડીયો
ચાંદીબજારથી ખરીદી કરી પરત ફરતી વેળાએ ઓશવાળ સર્કલ પાસે પડી ગયેલી થેલી સીસીટીવી ફૂટેજ અને RTO ડેટાની મદદથી રિક્ષાચાલક પાસેથી હેમખેમ મેળવાઈ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગર શહેરમાં પોલીસની નેત્રમ શાખા દ્વારા દાખવવામાં આવેલી ઉત્કૃષ્ટ સતર્કતા અને ત્વરિત કાર્યવાહીના પરિણામે ખરીદી કરવા નીકળેલા એક મહિલાના આશરે ૧૫ લાખ રૂપિયાની મત્તાના ૧૧ તોલા સોનાના દાગીના માત્ર ગણતરીના કલાકોમાં જ સુરક્ષિત રીતે પરત મળી આવ્યા છે. રસ્તામાં અકસ્માતે પડી ગયેલી કિંમતી દાગીનાની થેલી સીસીટીવી કેમેરાના ફૂટેજ અને વાહન વ્યવહાર વિભાગ (RTO) ના ડેટાના આધારે શોધી કાઢવામાં આવતા મહિલાએ રાહતનો શ્વાસ લીધો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરના જાણીતા ચાંદીબજાર વિસ્તારમાંથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કર્યા બાદ એક મહિલા પોતાના ઘરે પરત જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં સોનાના દાગીના ભરેલી થેલી અચાનક નીચે પડી ગઈ હતી. પોતાની કિંમતી ચીજવસ્તુઓ ભરેલી થેલી ગુમ થયાની ગંભીર બાબત ધ્યાનમાં આવતા જ મહિલાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધીને લેખિત અરજી આપી હતી.
મહિલાની અરજી મળતાની સાથે જ નેત્રમ શાખાની ટીમે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સઘન તપાસ શરૂ કરી હતી. વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજની બારીકાઈથી ચકાસણી કરવામાં આવતા ઓશવાળ સર્કલ નજીકથી આ થેલી નીચે પડી હોવાનું અને ત્યારબાદ એક રિક્ષાચાલક તે થેલી લઈને આગળ વધ્યો હોવાનું ફલિત થયું હતું. પોલીસે ફૂટેજમાં દેખાયેલા રિક્ષાના નંબરના આધારે RTO રેકોર્ડમાંથી સંબંધિત રિક્ષાચાલકનો મોબાઈલ નંબર મેળવીને તુરંત જ તેનો સંપર્ક સાધ્યો હતો.
મહિલાની ખોવાયેલી થેલીમાં સોનાનો હાર, બે બુટ્ટી અને એક બ્રેસલેટ સહિત કુલ ૧૧ તોલા સોનાના દાગીના હતા, જેનું બજારમૂલ્ય અંદાજે ૧૫ લાખ રૂપિયા જેટલું થાય છે. પોલીસની સમયસૂચકતા અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી આ તમામ કિંમતી દાગીના હેમખેમ પરત મેળવીને મહિલાને સુપરત કરવામાં આવ્યા છે. આ સમગ્ર સફળ ઓપરેશન પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું, જેને લઈને શહેરમાં પોલીસની કાર્યક્ષમતાની ચારેય બાજુ પ્રશંસા થઈ રહી છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
