<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

કચ્છના માતાના મઢમાં નવરાત્રિની તૈયારીનો ધમધમાટ : લાખો ભક્તોના આગમન માટે તંત્ર સજ્જ

શ્રી આશાપુરા માતાજી મંદિરે આવતા પદયાત્રીઓ માટે મઢ નજીક મેગા સેવા કેમ્પ : ૧૬૫ જેટલી વધારાની એસ.ટી. બસો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોગ્યથી સુરક્ષા સુધીની વ્યવસ્થા પૂર્ણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭ :  કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ- શ્રી આશાપુરા માતાજી મંદિર ખાતે આગામી આસો નવરાત્રિ મહોત્સવને લઈને વહીવટી તંત્ર, મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓના સંભવિત આગમનને ધ્યાનમાં રાખી યાત્રિક સુવિધા, આરોગ્ય સેવા, પરિવહન અને સુરક્ષા સહિતની વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા માતાના મઢથી આશરે ૧.૫ કિ.મી. દૂર વિશાળ મેગા સેવા કેમ્પ ઉભો કરવામાં આવ્યો છે. અહીં પદયાત્રીઓ માટે નિઃશુલ્ક રહેવા, ભોજન અને વિશ્રામની સુવિધા ઉપલબ્ધ કરાશે. યાત્રાળુઓની અવરજવર સરળ બનાવવા ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ભુજથી માતાના મઢ વચ્ચે ૧૬૫ જેટલી વધારાની બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

પદયાત્રા માર્ગ પર આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ પણ સઘન બનાવવામાં આવી છે. સાયલા અને સામખિયાળીથી માતાના મઢ સુધીના માર્ગ પર આવેલા આરોગ્ય કેન્દ્રોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. પગમાં ફોલ્લા, થાક તથા અન્ય તકલીફો માટે ઓઆરએસ, દવાઓ અને પાટાપિંડી સહિતનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. સુરક્ષાને લઈને પદયાત્રા માર્ગ અને મંદિર પરિસરમાં પોલીસની વિવિધ ટીમો તૈનાત રહેશે. ભીડ નિયંત્રણ માટે સીસીટીવી કેમેરા તથા ડ્રોનથી નજર રાખવામાં આવશે. રાત્રિના સમયે પદયાત્રીઓની સલામતી માટે માર્ગ સુરક્ષાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે.

નવરાત્રિના પ્રારંભ પૂર્વે જ જામનગર, રાજકોટ, અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પદયાત્રા સંઘો ‘મા આશાપુરા’ના જયઘોષ સાથે માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે. માર્ગમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, ચા-નાસ્તો અને માલિશ સહિતના સેવા કેમ્પો પણ ધમધમી રહ્યા છે.

દરમિયાન, મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી ઘટસ્થાપન, સાતમા નોરતે યોજાનારી પરંપરાગત પતરી વિધિ તેમજ હોમ-હવનની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માતાના મઢ ભક્તિમય માહોલથી ગુંજી ઊઠશે.

(9:31 AM IST)