<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

અમરેલીના ચકચારી લેટરકાંડના મામલે પાટીદાર યુવતીની ગેરકાયદે અટકાયત-સરઘસ કાઢવાના મામલે રાષ્‍ટ્રીય માનવ અધિકાર લાલઘુમ

પીડીતા પાયલ ગોટીને સાડા સાત લાખનું વળતર ચુકવવા આયોગના આદેશથી ખળભળાટ : રાજકીય નેતાને ઇશારે યુવતીનું સરઘસ કાઢવાનું પોલીસ તંત્રને ભારે પડયું: તંત્રએ માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન કર્યુ છે

રાજકોટઃ અમરેલીના લેટરકાંડ અન્‍વયે પાટીદાર યુવતીની ગેરકાયદે અટકાયત અંગેના કેસમાં કાનુની લડત ચલાવનાર એડવોકેટ બ્રિજ વિકાસ શેઠ, પાયલ ગોટી તથા અન્‍યો નજરે પડે છે.

રાજકોટ, તા., ૩: અમરેલી લેટરકાંડમાં ભોગ બનનાર પાયલબેન ગોટીની ખોટી રીતે ધરપકડ કરી તથા તેમનો વરઘોડો કાઢીને તેમના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ નેશનલ હ્યુમન રાઇટ્‍સ કમિશન દ્વારા સાડા સાત લાખ રૂપિયા વળતર ચૂકવવાનો ગુજરાત સરકારને હુકમ કરતા ભારે ચકચાર જાગી છે.

ગાંધીનગરમાં નેશનલ ફોરેન્‍સિક સાયન્‍સ યુનિવર્સિટી ખાતે નેશનલ હ્યુમન રાઇટ્‍સ કમિશનનું કેમ્‍પ સિટિંગ / ઓપન હિયરિંગ ગોઠવાયું હતું, જેમાં ૨૯/૧૨/૨૦૨૪ ના રોજ અમરેલી લેટરકાંડમાં અમરેલી પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્‍યો હતો અને તે વરઘોડામાં જે તે વખતે આરોપી બનાવવામાં આવેલ પાયલબેન ગોટીનો પણ વરઘોડો કાઢયો હતો તથા કાયદાની સ્‍થાપિત પ્રક્રિયાની વિરુધ્‍ધ વર્તી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ બનવોના કારણે  માનવ અધિકારોનું ઉલ્લંઘન થયેલ હતું. તે સંદર્ભે એડવોકેટ બ્રિજ શેઠ દ્વારા નેશનલ હ્યુમન રાઇટ્‍સ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, તેની  સુનાવણી રાખવામાં આવેલ હતી.  સુનાવણીમાં માનવ અધિકાર આયોગની ત્રણ જજની બેન્‍ચ સમક્ષ એડવોકેટ બ્રિજ શેઠે પાયલબેનની હાજરીમાં, પાયલબેન માટે એવી રજૂઆતો કરેલી કે અડધી રાત્રે સમન્‍સ-નોટિસ આપ્‍યા વગર ગેરકાનૂની રીતે મહિલાની ધરપકડ કરેલી છે તથા જે વરઘોડો કાઢયો છે તેના દ્વારા પાયલબેનના માનવ અધિકારોનું સીધી રીતે ઉલ્લંઘન થયેલું છે. તેથી તેમને યોગ્‍ય વળતર તથા ન્‍યાય મળે એ જરૂરી છે.

આ કેસમાં પોલીસ તરફે અમરેલીના એસપી હાજર હતાં અને તેમણે એવી રજૂઆતો કરેલી કે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે અમે યોગ્‍ય ખાતાકીય કાર્યવાહીઓ કરેલી છે. તથા જરૂરી જણાતા અધિકારીઓને બરતરફ તથા બદલી કરેલ છે. બંને પક્ષકારોની દલીલો તથા ભોગ બનનાર પાયલબેનને સાંભળી તથા એડવોકેટ બ્રિજ શેઠ દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતોને ધ્‍યાને લઈ માનવ અધિકાર આયોગે એવું ઠરાવ્‍યું કે ધરપકડ કરતી વખતે કાનૂની વચનોનું યોગ્‍ય પાલન કર્યા વગર ભોગ બનનારની ધરપકડ કરવામાં આવેલ હતી, તેનાથી પાયલબેનના માનવ અધિકારોનું ઉલ્લંઘન થયેલું છે, તેથી ગુજરાત સરકારે તેમને વળતર રૂપે ૭.૫ લાખ (સાડા સાત લાખ રૂપિયા પૂરા) આપવાના રહેશે.

અત્રૈ એ ઉલ્લેખનીય છે કે એક રાજકીય નેતાના ઇશારે પોલીે પાટીદાર યુવતીનું સરઘસ કાઢયું હતું. આયોગે પોતાના ચુકાદામાં ટકોર કરતા જણાવ્‍યું છે કે પોલીસે માનવ અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન કર્યુ છે. આખરે પાયલ ગોટીને આ ચુકાદાથી ન્‍યાય મળતા પોલીસની આબરૂ ખરડાઇ છે.

લેટરકાંડના પગલે કાયદાકીય પ્રક્રિયાનો સરેઆમ ભંગ કરતા પોલીસ તં઼ત્ર વિરૂધ્‍ધ પાયલ ગોટીની ખોટી રીતે ગેરકાયદે અટકાયત કરવાના મામલો છેક રાષ્‍ટ્રીય માનવ અધિકાર સુધી પહોંચ્‍યો હતો.

માનવ અધિકાર આયોગે પીડીતા પાયલ ગોટીને ગેરકાયદે અટકાયતમાં રાખીને માનસીક સામાજીક ત્રાસ આપવા બદલ રાજય સરકારને સાડા સાત લાખની રકમ ચુકવવા આયોગે કરેલા હુકમથી ખળભળાટ મચી ગયો હતો.

(11:49 AM IST)