News of Saturday, 16th May 2026
અમરેલીના વડિયા શહેરમાં પશુઓમાં રહસ્યમય રોગચાળો ફાટી નીકળ્યો : અત્યાર સુધીમાં 80 થી વધુ પશુઓના મોતથી માલધારીઓમાં ભયનો માહોલ
ઘેટાં-બકરાં સહિતના પશુઓ અચાનક મોતને ભેટી રહ્યા છે, રોગનું કારણ અકબંધ, પશુપાલન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી, સેમ્પલ લઈ તપાસ શરૂ

અમરેલી, તા. 16 : અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં પશુઓમાં રહસ્યમય રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા કેટલાક દિવસમાં અંદાજે 80 જેટલા પશુઓના અચાનક મોત થતાં માલધારીઓમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વડિયા શહેર અને આસપાસના વિસ્તારમાં ઘેટાં-બકરાં સહિતના પશુઓ અચાનક બીમાર પડી રહ્યા છે અને ટૂંકા સમયમાં જ મોતને ભેટી રહ્યા છે. રોગના લક્ષણો કે કારણ અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. મોટી સંખ્યામાં પશુઓના મોતથી પશુપાલકોને આર્થિક ફટકો પડ્યો છે.
ઘટનાની જાણ થતાં જ પશુપાલન વિભાગની ટીમ તાત્કાલિક વડિયા દોડી ગઈ છે. વિભાગ દ્વારા મૃત પશુઓના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે અને સારવારની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક માલધારીઓએ તંત્ર પાસે તાત્કાલિક રોગનું નિદાન કરી યોગ્ય સારવાર અને સહાયની માંગ કરી છે. પશુપાલન વિભાગે પશુપાલકોને અફવાઓથી દૂર રહેવા અને બીમાર પશુને તાત્કાલિક અલગ રાખવા અપીલ કરી છે. રોગચાળાનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
