News of Friday, 18th September 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈના ૭૬ માં જન્મદિવસે ભુજમાં ‘સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર’નું આયોજન ૧૫૦૦ થી વધુ યુવાનો જોડાયા
સાંસદ વિનોદ ચાવડા દ્વારા આયોજિત આ સેમિનારમાં યુવાનોને સ્ટાર્ટઅપ, સ્વરોજગાર અને લોન અંગે માર્ગદર્શન અપાયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૮ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬ માં જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભુજ ટાઉનહોલ ખાતે ‘સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર’ યોજાયો હતો. યુવા પેઢી પોતાની ક્ષમતા અને હિંમતના આધારે સ્વરોજગાર તથા વ્યવસાય ક્ષેત્રે આગળ વધે અને આર્થિક રીતે આત્મનિર્ભર બને તેવા હેતુથી યોજાયેલા આ સેમિનારમાં કચ્છભરમાંથી બહોળી સંખ્યામાં યુવાનો, કોલેજીયનો તથા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ જોડાયા હતા. કાર્યક્રમ માટે ૧૧૦૦ થી વધુ યુવાનોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે ૧૫૦૦ થી વધુ યુવાનોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ નોંધાઈ હતી.
સેમિનારમાં યુનિવર્સિટી, વિવિધ કોલેજો, બેન્કિંગ ક્ષેત્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાતોએ સ્ટાર્ટઅપ યોજનાઓની ઉપયોગિતા, સ્વરોજગાર માટેની વિવિધ તકો તથા વ્યવસાય શરૂ કરવા માટે બેન્ક મારફતે લોન કેવી રીતે મેળવી શકાય તે અંગે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. ટાઉનહોલ ખાતે યોજાયેલી પ્રદર્શનમાં વિવિધ સ્ટોલ દ્વારા પણ યોજનાઓ અને તકો અંગે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે યોજનાનો લાભ લેવા ઉત્સુક લાભાર્થીઓને મંજૂરીના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ યુવા ઉદ્યોગસાહસિકોએ પોતાના અનુભવો રજૂ કરી અન્ય યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરી આભારવિધિ કરવામાં આવી હતી.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬ માં જન્મદિવસ નિમિત્તે તેમને દીર્ઘાયુ, યશ અને દેશસેવાના સંકલ્પને વધુ બળ મળે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
