<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

જૂનાગઢના રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગરિમામય ઉજવણી

'સ્વસ્થ જીવન માટે યોગ'ના સંદેશ સાથે ગરવા ગિરનારની નિશ્રામાં હજારો તાલીમાર્થીઓ અને નાગરિકોએ કર્યો યોગાભ્યાસ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલી પ્રેરક સંબોધન નિહાળવામાં આવ્યું

વીનુ જોશી દ્વારા, જૂનાગઢ:'સ્વસ્થ જીવન માટે યોગ'ના પવિત્ર અને સકારાત્મક સંદેશ સાથે ગરવા ગિરનારની પાવન નિશ્રામાં આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ જ ભવ્ય અને વ્યાપક સ્તરે ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં આવેલા રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય (પીટીસી) ના વિશાળ મેદાન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના ગરિમામય અધ્યક્ષસ્થાને આ જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું. આ ભવ્ય ઉજવણીમાં મોટી સંખ્યામાં પોલીસ તાલીમાર્થી ભાઈઓ-બહેનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ યોગ અભ્યાસુઓ વહેલી સવારથી જ ઉત્સાહભેર જોડાયા હતા અને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.
આ વિશેષ પ્રસંગે પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતેથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયા હતા અને તેમણે સમગ્ર વિશ્વ અને દેશવાસીઓને યોગ અપનાવવા માટે અત્યંત પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. આ ઉપરાંત, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ રાજકોટ ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપસ્થિત રહીને યોગને કટોકટીના આ સમયમાં રોજિંદા જીવનમાં ચોક્કસ સ્થાન આપવા માટે સચોટ ઉદ્બોધન કર્યું હતું, જેને જૂનાગઢ ખાતે ઉપસ્થિત સૌ કોઈએ જીવંત નિહાળ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, યોગ એ કોઈ સામાન્ય શારીરિક વ્યાયામ કે આસન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે માનવ શરીરનું મન અને આંતરિક ચેતનાને જગાડવાની એક મહાન પવિત્ર પ્રક્રિયા છે. આજના આધુનિક અને દોડધામભર્યા યુગમાં લોકોની જીવનશૈલી અને ખાનપાન ખૂબ જ બદલાયા છે, ત્યારે દેશના પ્રાચીન ઋષિમુનિઓએ આપેલો યોગ લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરવાનું સૌથી મોટું માધ્યમ છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને ફિટ રાખવા માટે યોગ અને 'ફિટ ઈન્ડિયા'નું જે વિઝન આપ્યું છે તે અદભુત છે. જ્યારે દેશની યુવા શક્તિ શારીરિક અને માનસિક રીતે સશક્ત બને છે, ત્યારે જ દેશ સશક્ત બને છે. મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે ખૂબ જ અનિવાર્ય છે અને વડાપ્રધાનના પ્રયાસોના પગલે જ સંયુક્ત રાષ્ટ્ર સંઘના ૧૭૭ જેટલા દેશોએ ભારતીય સંસ્કૃતિની આ યોગ પ્રણાલીને માન્યતા આપી અપનાવી છે.
આ અવસરે ઉપસ્થિત ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણી પાવન ઋષિ પરંપરાની અનમોલ દેન સમાન યોગને આજે સમગ્ર વિશ્વએ સહર્ષ સ્વીકાર્યો છે. મનની આંતરિક શક્તિને વધુ વિસ્તાર આપવા અને શરીરની સંપૂર્ણ તંદુરસ્તી જાળવવા માટે યોગ અત્યંત જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રબળ પ્રયાસોથી જ દેશ અને દુનિયાના ખૂણે-ખૂણે યોગ પ્રસ્થાપિત થયો છે અને તેનાથી લાખો લોકોના જીવનને એક નવી સકારાત્મક દિશા મળી છે. તેમણે જામનગર અને જૂનાગઢની જનતાને પોતાના રોજિંદા જીવનમાંથી ઓછામાં ઓછો ૩૦ મિનિટનો સમય ફાળવીને યોગને કાયમી અપનાવવા માટે હૃદયપૂર્વક અપીલ કરી હતી. કાર્યક્રમના આખરી ચરણમાં જૂનાગઢ જિલ્લામાં યોગને જન-જન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરતા સ્થાનિક ઉત્સાહી યોગ કોચ અને યોગ ટ્રેનર્સનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિશેષ પ્રમાણપત્ર એનાયત કરી ભારે સન્માન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પંચાતના પ્રમુખ શ્રીમતી લીનાબેન વિપુલભાઈ કાવાણી, જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોર વિશેષ રૂપે ઉપસ્થિત રહીને સામાન્ય નાગરિકો સાથે યોગાભ્યાસમાં જોડાયા હતા. આ ઉપરાંત, ઇન્ચાર્જ એસ.પી. રોહિત ડાગર, અગ્રણી યોગીભાઈ પઢીયાર, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળા તેમજ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના આચાર્ય સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ખૂબ જ ઉત્સાહભેર સહભાગી બન્યાં હતા.

(1:01 PM IST)