<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ભાવનગરના જેસર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી :ઉગલવાણ ગામની નદીમાં ઘોડાપૂર

વાવણી લાયક અને મોલાત માટે ફાયદાકારક એવા આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર અનોખી રોનક જોવા મળી

ભાવનગર જિલ્લાના જેસર પંથક અને તેના ઉપરવાસના વિસ્તારોમાં લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીરની આવક થતાં લોકમાતાઓના અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદના પગલે વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે.

 

જેસર પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોની નદીઓ જીવંત થઈ ઉઠી છે. ખાસ કરીને ઉગલવાણ ગામની સ્થાનિક નદીમાં ઉપરવાસના ભારે પાણીની આવક થતાં તે ધસમસતા પ્રવાહ સાથે બે કાંઠે વહેતી થઈ છે. નદીના રોદ્ર અને મનમોહક રૂપને જોવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

 

જેસર અને તેની આસપાસનો વિસ્તાર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે, તેથી આ વરસાદ અહીંના ધરતીપુત્રો માટે અમૃત સમાન સાબિત થયો છે. વાવણી લાયક અને મોલાત માટે ફાયદાકારક એવા આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર અનોખી રોનક જોવા મળી રહી છે. નદીમાં આવેલા નવા નીરના કારણે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે, જેનાથી આગામી સમયમાં ઉગલવાણ સહિતના અનેક આસપાસના ગામોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે.

(2:08 PM IST)