News of Thursday, 16th July 2026
મહુવા પંથકમાં અષાઢી બીજના સુકન સાચવતા મેઘરાજા : અસહ્ય ઉકળાટ વચ્ચે ધોધમાર ઝાપટું પડતાં જનતામાં આનંદ
ગઈકાલે અડધો ઇંચ વરસાદ બાદ વાતાવરણમાં સર્જાયો હતો ભારે બફારો : ગુરૂવારે સવારે અચાનક હવામાન પલટાતાં સ્થાનિકોને ગરમીથી મળી રાહત

રહીમ વસાયા દ્વારા, મહુવા: મહુવા શહેર સહિત સમગ્ર પંથકમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ભારે બફારા બાદ અંતે મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી છે. અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે મેઘરાજાએ પોતાના પરંપરાગત સુકન સાચવીને અમી છાંટણાં તેમજ જોરદાર ઝાપટું પાડતાં સમગ્ર પંથકના લોકોમાં અને ખાસ કરીને ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ છે.
સ્થાનિક પ્રતિનિધિ રહીમ વસાયાના અખબારી યાદીના અહેવાલ મુજબ, આજરોજ તારીખ ૧૬ જુલાઈ ૨૦૨૬ ને ગુરૂવારે સવારે દસ વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં ભારે પવન સાથે વરસાદનું એક જોરદાર ઝાપટું તૂટી પડ્યું હતું. આ અણધાર્યા વરસાદના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા અને વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ મહુવા પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે, ગઈકાલના વરસાદ બાદ વરાપ નીકળતાં જનજીવન ભારે બફારો અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યું હતું. શહેરીજનો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા હતા, તેવા સમયે જ ગુરૂવારે સવારે વરસેલા આ વરસાદી ઝાપટાએ લોકોને મોટી રાહત આપી છે. અષાઢી બીજના પાવન દિવસે જ મેઘરાજાની કૃપા વરસતાં ચાલુ વર્ષે ચોમાસું ઘી-કેળાં નીવડશે તેવી આશા સાથે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
