તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Saturday, 18th July 2026
‘ખોબો' ભરીને વરસાદની જરૂરીયાત વચ્ચે ‘ચપટીક' વરસતા મેઘરાજા
ભાવનગરમાં દોઢ ઇંચ વરસાદઃ અન્યત્ર ઝાપટાથી માંડીને એકાદ ઇંચ વરસ્યોઃ સાર્વત્રિક વરસાદની રાહ

તસ્વીરમાં વિરપુર (જલારામ) અને ભાણવડમાં ઝાપટારૂપે વરસાદ આજે સવારે પડયો હતો. તે નજરે પડે છે. (તસ્વીર : ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)
રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની સૌ કોઇ ચાતક નજરે રાહ જોઇ રહ્યા છે. ત્યારે ધોધમાર વરસાદના બદલે ઓછો વરસાદ વરસી રહ્યો છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી) :..ભાવનગર :.. ભાવનગર માં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો છે. શુક્રવારે બપોર બાદ ભાવનગર શહેરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઘોઘા અને જેસર પંથકમાં પણ વરસાદ પડ્યો હતો.
ગોહિલવાડ પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. બપોરે શહેરમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જ્યારે ઘોઘા અને જેસર પંથકમાં પણ બપોરે વરસાદ પડ્યો હતો.
આજે સવારના ૬ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર શહેરમાં ૩૬ મી.મી., ઘોઘા માં ૯ અને જેસરમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૫.૨ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૧૯્રુ રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. ગઈકાલની જેમ આજે સવારથી જુનાગઢ, ગીરનાર અને મેંદરડા વિસ્તારમાં હળવા થી ભારે વરસાદના ઝાપટા વરસતા લોકો સહિત ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.
છેલ્લા દસ દિવસથી મેઘરાજાએ એકંદરે વિરામ રાખ્યો છે. આ સ્થિતિ વચ્ચે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે શુક્રવારની માફક આજે પણ સવારે વરસાદી વાદળો આવી ચઢયા હતા સવારે ૭ વાગ્યાની આસપાસ જુનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનું ઝાપટું વરસી પડ્યું હતું. જૂનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત પર પણ મેઘરાજાનું આગમન થયું હતું. જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી. સવારે ૬ થી ૮ના બે કલાક દરમિયાન જુનાગઢ શહેરમાં ત્રણ મીલીમીટર, ગિરનાર પર પાંચ મીમી અને મેંદરડામાં ચાર મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું.
હળવા વરસાદના ઝાપટા વરસાવીને સંતોષ માની લેતા મેઘરાજા જમાવટ કરતા ન હોવાથી લોકો અને ધરતીપુત્રોમાં નિરાશા વ્યાપી ગઈ છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : ખંભાળીયા તથા દ્વારકા વિસ્તારમાં ગઇકાલે કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાથી અડધા ઇંચ સુધી વરસાદ પડતા તથા વાતાવરણમાં વરસાદી ગરમી બફારા સાથે ગોરંભાયેલી સ્થિતિ થતાં લોકો વરસાદના આશાવાદી બન્યા છે.
ગઇકાલે આ ચોમાસાની સીઝનનો પ્રથમ વખત વરસાદ દ્વારકામાં અડધો ઇંચ જેટલો પડયો હતો તો ખંભાળીયા - જામનગર રોડ પર પણ આરાધના ધામ અને એસ્સરની કંપની નજીકના ગામોમાં પણ ઝાપટા થી અડધા ઇંચ જેવો પડયો હતો. જયારે અન્ય વિસ્તારોમાં વાતાવરણ વચ્ચે કંઇ વરસાદ પડયો ન હતો.
કેશોદ
(સંજય દેવાણી દ્વારા) કેશોદ :.. વિસ્તારમાં વાવણી કાર્ય બાદ છેલ્લા ત્રણ દિવસ થી હળવા વરસાદી ઝાપટા વરસી રહેલ છે. જે ગત રાત્રિના તથા આજે વહેલી સવારે પણ મેઘરાજાની હાજરી જોવા મળી હતી.
અત્રે ગત બુધવાર સાંજ થી ધૂપ છાવ જેવા વાતાવરણ વચ્ચે સમયાંતરે સામાન્ય વરસાદ વરસી રોડ ભીના કરી જાય છે.
સ્થાનિક કેશોદ ઉપરાંત કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓછી-વધતી માત્રામાં વરસાદ નો પ્રભાવ જોવા મળેલ હોવાનું જાણવા મળેલ છે. આજે સવારે પણ આકાશમા વાદળો ઘેરાયેલા છે અને ભારે બફારો જોવા મળેલ છે. દરમિયાન આ અંગે ખેડૂતો ના જણાવ્યા મુજબ કેશોદ વિસ્તારમાં વાવણી કાર્ય થઈ ગયેલ હોય વરસાદ ઇચ્છનીય છે
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
