<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

મુન્દ્રામાં ૬ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને અંતિમશ્વાસ સુધીની કેદ ફટકારતી ભુજ સ્પેશિયલ કોર્ટ

૬ વર્ષની સગીરને લાલચ આપી બાવળોની ઝાડીમાં આચર્યું હતું દુષ્કર્મ : રૂ. ૧.૫૦ લાખનો દંડ અને પીડિતાને વળતર ચૂકવવા આદેશ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:કચ્છના મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર વિસ્તારમાં ૬ વર્ષની સગીર બાળકીને લાલચ આપી અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના ચર્ચાસ્પદ કેસમાં ભુજ કચ્છની નામદાર સ્પેશિયલ કોર્ટે આરોપીને કડકમાં કડક સજા ફટકારી છે. કોર્ટે આરોપીને અંતિમશ્વાસ સુધીની સખત કેદની સજા અને કુલ રૂ. ૧,૫૦,૦૦૦ (દોઢ લાખ) નો દંડ ફટકાર્યો છે.

ઘર બહારથી લાલચ આપી કર્યું હતું અપહરણ:
આ કેસની વિગતો અનુસાર, ગત તા. ૧૨/૦૧/૨૦૨૬ ના રોજ મુન્દ્રા નજીક લેબર કોલોનીમાં રહેતા ફરિયાદી દંપતી સવારના સમયે મજુરી કામ અર્થે ગયા હતા. તે સમયે ઘરે એકલી રહેલી તેમની ૬ વર્ષની બાળકીને લાલચ આપીને આરોપી મનીષકુમાર ગનૌરી મંડલ (ઉ.વ. ૨૬, મૂળ રહે. બિહાર, હાલ રહે. લેબર કોલોની, ભદ્રેશ્વર) અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ રહેણાંક વિસ્તાર પાછળ બાવળોની ઝાડીમાં લઈ જઈ નરાધમે બાળકી સાથે બળજબરીથી દુષ્કર્મ આચરી તેને શારીરિક તથા માનસિક રીતે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

પોલીસ તપાસ અને કોર્ટ કાર્યવાહી:
આ બનાવ અંગે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તપાસનીસ અધિકારી એચ.એસ. ત્રિવેદી (પોલીસ ઇન્સ્પેક્ટર) દ્વારા જરૂરી પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ ભુજ કચ્છના નામદાર સ્પેશિયલ જજ એમ.એફ. ખત્રીની અદાલતમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં પ્રોસીક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા અને કાયદા સહાયક એડવોકેટ માલશ્રી ગઢવી હાજર રહ્યા હતા.

વિવિધ કલમો હેઠળ આકરી સજા અને વળતર:
સરકારી વકીલે રજૂ કરેલા ૩૪ દસ્તાવેજી પુરાવા અને ૧૩ સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી બી.એન.એસ. અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ અંતિમશ્વાસ સુધીની સખત કેદ અને રૂ. ૧,૫૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. જ્યારે બી.એન.એસ. કલમ ૧૩૭(૨) હેઠળ ૭ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત નામદાર કોર્ટે ભોગ બનનાર બાળકીને રૂ. ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ) નું વળતર ચૂકવવા માટે ડી.એલ.એસ.એ. (DLSA) ને ભલામણ કરવાનો હુકમ કર્યો છે તથા આરોપી દ્વારા ભરવામાં આવનાર દંડની રકમ પણ બાળકીને ચૂકવવા આદેશ કર્યો છે.

(7:21 PM IST)