News of Tuesday, 14th July 2026
ચોમાસામાં તંદુરસ્તી જાળવવાનો મહામંત્ર: જીભના સ્વાદ પર સંયમ રાખીને રોગો અને મેદસ્વિતાથી મુક્તિ મેળવો, જાણો હળવા આહાર અને ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્વ
ભેજભર્યા વાતાવરણમાં પાચનશક્તિ મંદ પડતા તળેલા-તીખા ખોરાકને બદલે ખીચડી, સૂપ અને ગરમ પાણી અપનાવો, એકટાણાં અને યોગથી "મેદસ્વિતા મુક્તિ અભિયાન"ને બનાવો સફળ

ભાવનગર, તા.૧૪ : ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જાય છે. આ સુહાવને માહોલમાં ગરમાગરમ ભજીયા, સમોસા, કટલેટ કે તીખા-તળેલા નાસ્તા ખાવાની ઈચ્છા થવી સ્વાભાવિક છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે સ્વાદની આ થોડી પળો લાંબાગાળે આપણા સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે. ચોમાસામાં તળેલું અને તીખું ભોજન માત્ર પેટની બીમારીઓ જ નહીં, પરંતુ મેદસ્વિતા, હૃદયરોગ અને અન્ય ગંભીર બીમારીઓને પણ ખુલ્લું આમંત્રણ આપે છે.
ચોમાસામાં પાચનશક્તિ કેમ મંદ પડે છે?
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આ ભેજને કારણે આપણા શરીરની પાચનશક્તિ એટલે કે જઠરાગ્નિ મંદ પડી જાય છે. જ્યારે પાચનક્રિયા ધીમી હોય ત્યારે ભારે, તળેલો કે તીખો ખોરાક પચવામાં ખૂબ સમય લે છે. પરિણામે ન પચેલો ખોરાક શરીરમાં ટોક્સિન્સ ઉત્પન્ન કરે છે અને વધારાની કેલરી સીધી ચરબી સ્વરૂપે જમા થવા લાગે છે. આ જ મેદસ્વિતાનું મુખ્ય કારણ બને છે.
એકટાણાં અને ઉપવાસ પાછળ છુપાયેલું છે વૈજ્ઞાનિક રહસ્ય
આપણા પૂર્વજોએ ચોમાસા અને શ્રાવણ માસમાં એકટાણાં અને ઉપવાસની જે પરંપરા શરૂ કરી હતી તે માત્ર ધાર્મિક માન્યતા નથી. આજના આધુનિક વિજ્ઞાનમાં તેને "ઓટોફેજી" કહેવામાં આવે છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રના અંગોને પૂરતો આરામ મળે છે અને શરીર પોતાના ખરાબ અને નકામા કોષોને જાતે જ સાફ કરવા લાગે છે. આનાથી શરીર કુદરતી રીતે ડિટોક્સ થાય છે. ઉપરાંત એકટાણાં કરવાથી કેલરીનું સેવન આપોઆપ મર્યાદિત થઈ જાય છે, જે વજન ઘટાડવામાં અને મેદસ્વિતાને નાથવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે.
તળેલા-તીખા ખોરાકની આડઅસરો
ચોમાસામાં વધુ પડતો તળેલો ખોરાક ખાવાથી ગેસ, એસિડિટી, અપચો અને ફૂડ પોઇઝનિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઋતુમાં બેક્ટેરિયા અને વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે, તેથી બહારની લારીઓ પર મળતો ખુલ્લો ખોરાક ઇન્ફેક્શનનું મોટું કારણ બને છે. લાંબા ગાળે તળેલા ખોરાકથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, જે મેદસ્વિતા સાથે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધારે છે.
મેદસ્વિતા મુક્તિ માટે ચોમાસામાં શું કરવું અને શું ટાળવું?
"મેદસ્વિતા મુક્તિ અભિયાન"ને સફળ બનાવવા માટે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર જરૂરી છે.
ટાળો: ભજીયા, સમોસા, પીઝા, બર્ગર, પેકેટ ફૂડ, ફ્રિજનું ઠંડું પાણી, સોડા, આઈસ્ક્રીમ અને બહારનો વાસી ખોરાક.
અપનાવો: મગ, મગની દાળની ખીચડી, ગરમ સૂપ, બાફેલી શાકભાજી જેવો હળવો અને ગરમ ખોરાક. દિવસભર ઉકાળેલું અથવા નવશેકું પાણી પીવું, જે મેટાબોલિઝમ વધારી ચરબી ઓગળવામાં મદ કરે છે. આહારમાં સફરજન, નાશપતી, પપૈયુ અને દાડમ જેવા મોસમી ફળોનો સમાવેશ કરો. જમ્યા પછી તરત ન સૂવું અને વરસાદમાં બહાર ન જવાય તો ઘરમાં જ યોગ, પ્રાણાયામ કે ઇન્ડોર એક્સરસાઇઝ કરો.
આ ચોમાસે જીભના સ્વાદ કરતાં શરીરની જરૂરિયાતને પ્રાથમિકતા આપીએ. સંયમિત આહાર અને સ્વસ્થ જીવનશૈલીથી જ આપણે રોગમુક્ત અને મેદસ્વિતા મુક્ત રહી શકીશું. કારણ કે યાદ રાખો, તંદુરસ્ત શરીર જ સાચી સુખાકારી છે.(-માહિતી ખાતુ-ભાવનગર)
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
