<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

એક તરફી પ્રેમમાં કોલેજિયન યુવતીની હત્યા કેસમાં બે આરોપીઓને જન્મટીપની સજા: ફોન બ્લોક કર્યો એટલે છરી વડે ગળુ ચીરી નાખ્યું

ભુજના ચકચારી સાક્ષી હત્યા કેસમાં ૮ મહીનામાં જ ભુજ કોર્ટનો ચુકાદો, મૃતક યુવતીના પરિવારને ૫ લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ :  ગત તા.૨૮.૮.૨૦૨૫ ના ભુજની સંસ્કાર કોલેજમાં બીસીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ૨૧ વર્ષીય સાક્ષી જેઠાલાલ ખાનીયા (ભાનુશાલી) પરીક્ષા આપી પરત ફરી રહી હતી ત્યારે તેની હત્યા કરાઇ હતી. મૂળ ગાંધીધામની રહેવાસી અને ભુજની ભાનુશાળી બોર્ડિંગમાં રહી અભ્યાસ કરી રહેલ સાક્ષીના એક તરફી પ્રેમમાં પાગલ ગાંધીધામના મોહિત મૂળજી સિદ્ધપુરાએ તેના મિત્ર જયેશ જયંતીજી ઠાકોર સાથે મળી હત્યાના બનાવને અંજામ આપ્યો હતો. ગાંધીધામથી ભુજ અભ્યાસ માટે આવેલ સાક્ષીને તેના પાડોશી મોહિતે ફરી ગાંધીધામ આવી જવા ધાકધમકી કરતા સાક્ષીએ મોહિતના નંબરને બ્લોક કરી નાખ્યા હતા. ઉશ્કેરાયેલા મોહિતે બાઈકથી મિત્ર જયેશ સાથે ભુજ આવી પરીક્ષા આપી પરત હોસ્ટેલ જઈ રહેલ સાક્ષી સાથે ઝઘડો કરી તેણીના પેટમાં છરી મારી હતી ગભરાયેલ સાક્ષી જયેશની બાઈક ઉપર બેસી ગઈ હતી. પરંતુ ક્રોધિત મોહિતે બાઈક પાછળ બેસી  છરી વડે સાક્ષીનું ગળુ ચીરી મોતને ઘાટ ઉતારી હતી. આ બનાવ બાદ નાસી છૂટેલાબંને આરોપીઓને ભુજ એ ડિવિઝન પોલીસે કલાકોમાં પકડી લીધા હતા. આ કેસમાં અન્ય વિદ્યાર્થિનીઓની જુબાની તેમ જ સહ આરોપી જયેશ ઠાકોરની કબૂલાત, એફએસએલ રિપોર્ટ મહત્વના સાબિત થયા હતા. સેશન્સ જજ ડી.પી. મહીડાએ ચાર્જશીટ રજૂ થયાના ચાર જ મહિનામાં ૭૫ દસ્તાવેજી પુરાવા, ૩૧ સાક્ષીઓ તપાસી બંને આરોપીઓને જન્મટીપની સજા સાથે ૨૫/૨૫ હજારનો દંડ ફટકારી જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો. વધુમાં યુવતીના પરિવારને ૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા તેમ જ ફરિયાદ પક્ષના વકીલો કે.પી. ગઢવી, બી.જે. ભાનુશાલીએ દલીલો કરી હતી.

(9:27 AM IST)