તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 30th September 2026
ચેક રિટર્નનો કેસ લડતા વકીલ સામે મહિલા અને સગીરાની છેડતીનો ગુનો; શારીરિક સંબંધની માગણીનો ગંભીર આક્ષેપ
હાથ પકડી અડપલાં કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદઃ શહેર ‘એ’ વિભાગ પોલીસે પોક્સો હેઠળ તપાસ હાથ ધરી

જામનગર : (મુકુંદ બદીયાણી દ્વારા) શહેરમાં ચેક રિટર્નનો કેસ લડી રહેલા વકીલ સામે મહિલા અને સગીરાની છેડતી કર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. મહિલાની ફરિયાદના આધારે શહેર ‘એ’ વિભાગ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદમાં જણાવાયેલી વિગતો મુજબ મહિલાનો ચેક રિટર્ન સંબંધિત કેસ ચાલી રહ્યો હતો. આ કેસની કાયદાકીય કાર્યવાહી માટે આરોપી વકીલને રોકવામાં આવ્યો હતો. કેસના સંબંધમાં મહિલા અને વકીલ વચ્ચે સંપર્ક તથા વાતચીત થતી હતી. આ દરમિયાન વકીલે મહિલાની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી તેની સમક્ષ શારીરિક સંબંધ બાંધવાની અયોગ્ય માગણી કરી હોવાનો ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે.
મહિલાએ આવી માગણીનો સ્પષ્ટ ઇનકાર કર્યો હોવા છતાં આરોપીએ કથિત રીતે તેની સતામણી ચાલુ રાખી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી વકીલે મહિલા તથા સગીરાનો હાથ પકડી અડપલાં કરી છેડતી કરી હતી. આ વર્તનનો વિરોધ કરવામાં આવતાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
સમગ્ર બનાવથી ગભરાયેલી મહિલાએ આખરે જામનગરના શહેર ‘એ’ વિભાગ પોલીસ મથકનો સંપર્ક કરીને આપવીતી વર્ણવી હતી. ફરિયાદમાં સગીરા સાથે પણ અયોગ્ય વર્તન થયાનો આરોપ હોવાથી પોલીસે પોક્સો અધિનિયમની જોગવાઈઓનો સમાવેશ કરીને ગુનો નોંધ્યો છે. તેની સાથે મહિલાની છેડતી, જાતીય સતામણી અને ગુનાહિત ધાકધમકી સંબંધિત જોગવાઈઓ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
