News of Friday, 24th April 2026
લ્યો કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની હવે રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાઃ ઓવૈસીની સભા, હર્ષ સંઘવીના રોડ શો અંગે કેજરીવાલની ટ્વીટ, ભાષણ અંગે કોંગ્રેસનો પ્રતિભાવ
રોડ શોમાં લોકોનો નિરુત્સાહ અને ગેરહાજરી ભાજપે કયાં થાપ ખાધી? વિકાસની ગ્રાન્ટો કયાં ખર્ચાઈ?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૪: પ્રથમ જ વાર કચ્છની નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીનો પ્રચાર અને રાજકીય ચર્ચા રાષ્ટ્રીય રાજકારણમાં થઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમ બન્યો છે અને સોશ્યલ મીડિયાનો પ્રભાવ આ વખતે કચ્છી પ્રજા જોઈ રહી છે.
જોકે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના ભુજમાં રોડ શો ના આયોજન અને એ અંગે આપ ના અરવિંદ કેજરીવાલના ટ્વીટ બાદ ભાજપનું આંતરિક રાજકારણ પણ ગરમાયું છે. સુરતમાં આપના મનીષ સિસોદિયા, ગોપાલ ઈટાલિયાના રોડ શો અને ભુજમાં હર્ષભાઈ સંઘવીના રોડ શોના દ્રશ્યો દર્શાવી સરખામણી કરી છે. સુરતમાં જન મેદની અને ભુજમાં પાંખી હાજરી દર્શાવી કેજરીવાલે વ્યંગ કર્યો છે.
દરમ્યાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર માટે AIMIM ના અસદ્દુદ્દીન ઓવૈસી કચ્છ આવ્યા અને ભુજમાં જાહેરસભા કરી ભાજપ સરકાર સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર સીધું નિશાન તાકયું કહ્યું દેશ સંવિધાનથી ચાલશે દાદાના બુલડોઝરથી નહીં.
કચ્છ કોંગેસ વતી ભુજ શહેર પ્રમુખ કિશોરોદાન ગઢવીએ નવરાત્રી અંગેના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નિવેદનની ટીકા કરી કહ્યું સ્થાનિકે ગુજરાતમાં અઢી દાયકાથી વધુ સમય થયો ભાજપની જ સરકાર છે ત્યારે આવું નિવેદન કરવાની શું જરૂર ? તેમણે પ્રજાના સ્થાનિક પ્રશ્નોને બદલે નાયબ મુખ્યમંત્રીની દ્વારા બોલાયેલ ભાષાની પણ ટીકા કરી.
જોકે, ભુજમાં સૌથી વધુ ચર્ચા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જેવા ભાજપના કદાવર નેતાના રોડ શો માં ભાજપના કાર્યકરોને બાદ કરતાં શહેરના વિસ્તારોમાં સ્થાનિક લોકોની હાજરી જોઈએ એવી નહોતી, સવાલ લોકોના નિરુત્સાહ અને ગેરહાજરીનો છે. ભલે હાલ દોષ આંતરિક રાજકારણને અપાય છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે લોકોની નારાજગી સ્થાનિક પ્રશ્નોની ઉપેક્ષાને કારણે વર્તાઈ. ઉમેદવારો, વોર્ડ ના આગેવાનો, બુથ કમિટીને રોડ શો માં લોકોની હાજરી માટે કહેવાયું પણ લોકો આવ્યા નહીં.
છેલ્લા ૩૦ વર્ષથી ભુજ નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને હવે પણએ જ ચૂંટાશે સત્તા ભાજપ પાસે જ રહેશે પણ થાપ કયાં ખાધી તેનું પક્ષ જો આત્મ મંથન કરે તો લોકોનો એક જ સવાલ છે કેન્દ્ર તેમ જ રાજ્ય સરકાર દ્વારા નાના એવા ભુજ શહેર માટે વર્ષે અપાતી ૧૦૦ કરોડની ગ્રાન્ટ, અમળત અને અન્ય શહેરી વિકાસ હેઠળ અપાતી વધારાની ગ્રાન્ટ છતાંય બિસ્માર રસ્તા, નર્મદા યોજના અને નલ સે જલ યોજના છતાંય પાંચ દિવસથી માંડી આઠ દિવસે માંડ માંડ પાણી મળે, છલકાતી ગટર, ગંદકી, વારંવાર ખોદકામ, ચોમાસામાં પાણી ભરાઈ જવા, જેવી પાયાની સમસ્યાઓનો ઉકેલ કયાં? ગ્રાન્ટના રૂપિયા કયાં ગયા? હા એ વાત અલગ છે કે પદાધિકારીઓ એને અધિકારી બંનેનું કદ વધ્યું છે અને તેમના કદમાં પ્રજાનો અવાજ દબાયો છે.

(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
