<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

કચ્‍છ ડ્રગ્‍સનું લેન્‍ડિંગ પોઈન્‍ટ?? સીરિયાથી ઉન સાથે મુન્‍દ્રા પોર્ટ પહોંચ્‍યું ૧૫૫ કરોડનું કેપ્‍ટાગોન ડ્રગ્‍સ

હેરોઇન, ચરસ બાદ હવે કેપ્‍ટાગોન ડ્રગ્‍સ ઝડપાયું, સુરક્ષા એજન્‍સીઓ દ્વારા સંયુક્‍ત તપાસ કરાય તો શંકાસ્‍પદ દેશો સાથે સ્‍થાનિક દાણચોરીનું કનેક્‍શન ખુલે, કાગળ ઉપર બોગસ કંપનીઓ રજિસ્‍ટર કરાવી ચાલતો ‘કાળો કારોબાર', એજન્‍સીઓ ઝડપાયેલ માલ અને કંપનીની સત્તાવાર વિગતો સરકારી ન્‍યૂઝબ્‍યુરો દ્વારા જાહેર કરે એ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૬: દેશના બંદરો ઉપરથી દાણચોરીનું મોટું રેકેટ ઝડપાય અને એની સત્તાવાર સાચી માહિતી મીડિયા સુધી ન પહોંચે એ કેવું? ખરેખર તો દાણચોરી દ્વારા દેશદ્રોહની પ્રવળત્તિ કરનારાઓના ચહેરા ખુલા કરાય એ રાષ્‍ટ્રના હિતમાં છે. કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ ઉપર ઝડપાયેલ કરોડોના ડ્રગ્‍સ મામલે બિન સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

મુન્‍દ્રાના ખાનગી સીએફએસ સ્‍ટેશન ટ્રાન્‍સવર્લ્‍ડમાં નાર્કોટિક્‍સ બ્‍યુરો અમદાવાદ દ્વારા તપાસ કરાઈ અને કરોડોનું ડ્રગ્‍સ ઝડપાયું. સીરિયાના લટકિયા બંદરેથી ઉનના ઓઠા તળે આવેલ ડ્રગ્‍સ કેપ્‍ટામાઇન હોવાનું અને તેની કિંમત ૧૫૫ કરોડ હોવાની પ્રાથમિક માહિતી છે. દિલ્‍હીની આયાતકાર કંપનીએ મંગાવેલ આ જથ્‍થાના ક્‍લિયરિંગમાં સ્‍થાનિક મુન્‍દ્રાના એજન્‍ટની ભૂમિકા હોવાનું પણ ચર્ચામાં છે. જોકે, દાણચોરી સાથે સંકળાયેલ તત્‍વો બોગસ વ્‍યાપારી પેઢીઓ ઊભી કરી આવું રેકેટ ચલાવે છે. આવા દેશદ્રોહી ગદ્દારોના બેંક ખાતાઓ સીઝ કરી તેની તપાસ કરવી જોઈએ તેમનો માલ કસ્‍ટમ ક્‍લિયર કરાવનાર ક્‍લિયરિંગ ફોરર્વડિંગ એજન્‍ટોની ભૂમિકા નક્કી કરી તેમને બ્‍લેક લિસ્‍ટ કરી તેમની સામે પણ દેશદ્રોહ હેઠળ આકરા પગલાં ભરવા જોઈએ. કચ્‍છમાં મુન્‍દ્રા પોર્ટ ઉપર અગાઉ એક સામટું હજાર કરોડનું ડ્રગ્‍સ ઝડપાઈ ચૂકયું છે આ સિવાય પણ અન્‍ય ડ્રગ્‍સનો જથ્‍થો ઝડપાઈ ચૂકયો છે. ત્‍યારે વાયા કચ્‍છ ગુજરાત થઈને દેશમાં ડ્રગ્‍સ ઘુસાડવાનું ષડયંત્ર રચનારા ડ્રગ્‍સ માફિયાઓના નેટવર્કને તોડવા સુરક્ષા એજન્‍સીઓની સયુંક્‍ત કામગીરી હાથ ધરવામાં આવે એ રાષ્‍ટ્રના હિતમાં છે.

 

(11:02 AM IST)