<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

કચ્છના ખેડૂતોના પ્રશ્ને કિસાન સંઘની સરકાર સામે નારાજગી: બોરવેલ NOCની જટિલતા દૂર કરો, શ્રી સરકારની જમીનો પરત આપો અને અછત સહાયમાં વધારો કરો

ભુજ તાલુકા ભા.કિ.સંઘ દ્વારા ઉગ્ર રજૂઆત, ઉદ્યોગોને તાત્કાલિક મંજૂરી અને ખેડૂતોને ધક્કા કેમ? સરકારની બેવડી નીતિ સામે ભારતીય કિસાન સંઘનો ઉગ્ર વિરોધ; પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ : કચ્છ જિલ્લાના ખેડૂતોના પડતર પ્રશ્નો અને સરકારી તંત્રની કથિત ઉદાસીનતા સામે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘે નારાજગીનો સૂર વ્યક્ત કરી ઉગ્ર રજૂઆત કરી છે. ખેડૂતોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે કિસાન સંઘના ભુજ તાલુકા પ્રમુખ કાનજીભાઈ ગાગલ સહિતના કિસાન આગેવાનોએ તંત્ર સમક્ષ આવેદનપત્ર પાઠવી ત્રણ મુખ્ય માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા ઉગ્ર રજૂઆત કરી છે. ખેડૂતોને પોતાના હક માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે અને બીજી તરફ ઉદ્યોગોને ઝડપથી મંજૂરીઓ મળી જાય તેવી બેવડી નીતિ સામે આગેવાનોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

*બોરવેલ માટે ખેડૂતોને NOCના ધક્કા, ઉદ્યોગો માટે મંજૂરીના દરવાજા ખુલ્લા!*

કિસાન સંઘે પ્રથમ માંગણીમાં ખેડૂતોના ખેતરમાં બોરવેલ બનાવવા માટેની જટિલ NOC પ્રક્રિયા સરળ અને ઝડપી કરવાની માગ કરી છે. માત્ર બે ગુંઠા જમીનના મુદ્દે પણ ખેડૂતોને વિવિધ કચેરીઓમાં ધક્કા ખાવા પડે છે અને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જ્યારે મોટા ઉદ્યોગોને મંજૂરી આપવામાં ઝડપ દાખવવામાં આવે છે. તો પછી અન્નદાતાને પોતાના ખેતરમાં પાણીની વ્યવસ્થા કરવા માટે આટલી મુશ્કેલીઓ શા માટે? એવો સવાલ ઉઠાવી ખેડૂતોને પણ ઉદ્યોગોની જેમ સરળ અને ઝડપી મંજૂરી આપવાની માગ કરવામાં આવી છે.

*’શ્રી સરકાર’ના ચોપડે ચડેલી જમીનો મૂળ ખેડૂતોને પરત આપો*

બીજી મહત્ત્વની માંગણીમાં ભૂતકાળમાં મહેસૂલ (વિઘોટી) ન ભરાવવાના કારણે સરકાર હસ્તક કરવામાં આવેલી અને ‘શ્રી સરકાર’ના ચોપડે નોંધાયેલી જમીનોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આવી જમીનો ફરીથી તેમના મૂળ માલિક અને વાસ્તવિક કબજેદાર ખેડૂતોના નામે પરત કરવામાં આવે તેવી કિસાન સંઘે માગ કરી છે. વર્ષોથી આ પ્રશ્નનો ઉકેલ ન આવતાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

*અછતગ્રસ્ત કચ્છના ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. ૮૫૦૦ ની સહાય અપૂરતી*

ત્રીજી માંગણી કચ્છના અછતગ્રસ્ત ખેડૂતોને મળનારી સહાય અંગે છે. કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ ખેડૂતો માટે પ્રતિ હેક્ટર માત્ર ₹8,500ની સહાય જાહેર કરવામાં આવી છે, જે વર્તમાન પરિસ્થિતિમાં ખેતીના ખર્ચ અને ખેડૂતોને થયેલા નુકસાનની સરખામણીએ અત્યંત અપૂરતી હોવાનું કિસાન સંઘે જણાવ્યું છે. આટલી નજીવી સહાયથી ખેડૂતોને કોઈ નોંધપાત્ર રાહત મળી શકે તેમ નથી. તેથી ખેડૂતોના વાસ્તવિક નુકસાનને ધ્યાનમાં રાખીને સહાયની રકમમાં વધારો કરી યોગ્ય અને વ્યાજબી વળતર ચૂકવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

*પ્રશ્નોનો ઉકેલ નહીં તો ખેડૂતો રસ્તા પર ઉતરશે*

આવેદનપત્ર આપતી વેળાએ ભારતીય કિસાન સંઘના ભુજ તાલુકા પ્રમુખ કાનજીભાઈ ગાગલ, મંત્રી અશોકભાઈ લીંબાણી, જિલ્લા જીવા આયામ પ્રમુખ ભીમજીભાઈ કેરાસિયા સહિતના કિસાન આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ખેડૂતો દેશના અન્નદાતા હોવા છતાં તેમના પાયાના પ્રશ્નો ઉકેલવામાં તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવે છે. ઉદ્યોગો માટે ઝડપથી નિર્ણય અને ખેડૂતો માટે કચેરીઓના ધક્કા—આવી અસમાન નીતિ હવે ચલાવી લેવામાં નહીં આવે. કિસાન સંઘે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો આ ત્રણેય પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે.

(11:50 AM IST)