News of Saturday, 9th May 2026
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટીમે ઈકો કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી લીધો : ₹4.31 લાખનો મુદ્દામાલ જપ્ત
ગોવાથી લવાયેલી વિદેશી દારૂની 298 બોટલ, કાર અને મોબાઈલ કબજે; એક આરોપીની ધરપકડ, ગોવાનો પાતરામ સહિત બે ફરાર; ક્રાઈમ બ્રાન્ચે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધ્યો

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા.૯ : જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે જોષીપરા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી ઈકો કારમાં ચોરખાનું બનાવી ગોવાથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડ્યો છે. પોલીસે વાહન, દારૂ તથા મોબાઈલ ફોન સહિત કુલ ₹4,31,872 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ દેશી-વિદેશી દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવાની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ એમ. પટેલની ટીમને બાતમી મળી હતી કે જૂનાગઢના હર્ષદનગરમાં રહેતો શાહરૂખ ઈર્શાદ પરમાર પોતાની ઈકો કાર નં. GJ-11-CL-8440 માં ગુપ્ત ચોરખાનું બનાવી ગોવાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી હેરાફેરી કરે છે.
બાતમીના આધારે તપાસ કરતા આરોપી અલઅક્સા રેસીડેન્સીમાં કાર સાથે મળી આવ્યો હતો. ગાડી ચેક કરતા બોનેટ, સાઈડના પડીયા, દરવાજાના પડીયા, આગળ-પાછળના બમ્પરમાંથી છુપાવેલી વિદેશી દારૂની નાની-મોટી કુલ 298 બોટલ મળી આવી હતી.
ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ- 298 કિં. ₹1,21,872/ મોબાઈલ ફોન નંગ-1 કિં. ₹10,000/-મારુતી સુઝુકી ઈકો કાર રજી.નં. GJ-11-CL-8440 કિં. ₹3,00,000/- કુલ મુદ્દામાલ ₹4,31,872/- જપ્ત કરેલ છે.
શાહરૂખ ઈર્શાદભાઈ કરીમભાઈ પરમાર, ઉ.વ. 29, રહે. જોષીપરા, નારાયણ નગર મેઈન રોડ, હનુમાન મંદિરની સામે, જૂનાગઢને ઝડપી લીધો છે.યાસીન ઉર્ફે રાજુ રફીકભાઈ પરમાર, રહે. ખામધ્રોળ રોડ, કેમ્બ્રીજ, જૂનાગઢ અને પાતરામ, રહે. ગોવાની શોધખોળ હાથ ધરી છે.
આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ 65(A)(E), 98(2), 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ કામગીરી પીઆઈ કૃણાલ એમ. પટેલ, પીએસઆઈ પી.કે. ગઢવી, એએસઆઈ સામતભાઈ બારીયા, સરમણભાઈ સોલંકી, હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા, કોન્સ્ટેબલ જેઠાભાઈ કોડીયાતર, ભુપતસિંહ સિસોદીયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.(તસવીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
