News of Wednesday, 24th June 2026
જેતપર ખેડુત આંદોલનઃ ખેડૂતોએ સરકારનું વાટાઘાટોનું આમંત્રણ ફગાવ્યું
ગાઈડલાઈનમાં સુધારો કરી નવી પરિપત્ર બહાર પાડવામાં આવે અને કામ અટકાવામાં આવે ત્યારબાદ જ વાતચીત થઈ શકશેઃ ખેડુતોએ મુખ્યમંત્રીને લેખિતમાં માંગણીઓ મોકલી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૪: મોરબીના જેતપર મુકામે વીજલાઈનના યોગ્ય વળતરની માંગ સાથે ચાલી રહેલી ખેડૂતોની ઉપવાસ છાવણીમાં ગત રોજ સરકારી તંત્ર દ્વારા ખેડૂતોને ચર્ચા વિચારણા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. SDM અને તેમની ટીમ છાવણી ખાતે આમંત્રણ આપવા આવી હતી. જોકે, ખેડૂત સમિતિ દ્વારા આ આમંત્રણને નકારી કાઢવામાં આવ્યું છે. ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કામ બંધ ન થાય અને નવો પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી કોઈ મંત્રણા કરવામાં આવશે નહીં.સાથે જ ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉદ્દેશીને પોતાની માંગણીઓ લેખિતમાં મોકલવામાં આવી છે અને સરકારને ૨ થી ૩ દિવસનો સમય આપવામાં આવ્યો છે.
હાલ સંપૂર્ણ ગુજરાતમાં હાઇટેન્શન વીજલાઇનના યોગ્ય વળત૨ને લઈને ખેડૂતો પીડાઈ રહ્યા છે અને આંદોલનના માર્ગે છે. ટેલીગ્રાફ એકટ ૧૮૮૫ કલમ ૧૦(d) મુજબ TSP કંપનીએ ખેતરોમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું રહે છે અને થાંભલા તથા તારથી થતું સંપૂર્ણ નુકસાન ચૂકવવાનું રહે છે. જેથી ગુજરાત ઉર્જા વિભાગ ખેડુત હિતેચ્છુ નવો પરીપત્ર બનાવે અથવા તો કેન્દ્ર સરકારની તારીખ ૧૪/૦૬/૨૦૨૪ અને ૨૧/૦૩/૨૦૨૫ ની ગાઈડલાઈનમાં નીચે મુજબના સાનુકુળ સુધારા કરેઃ
ટાવર વિસ્તાર માટે ૪૦૦% વળતરઃ ૧૪/૦૬/૨૦૨૪ ની ગાઇડલાઇનમાં ટાવર વિસ્તાર માટે MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી કરી તેના ૨૦૦% નો ઉલ્લેખ છે. પરંતુ હાઈ વોલ્ટેજ લાઈન હોવાથી ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડના વધારાના ૨૦૦% ઉમેરીને કુલ ૪૦૦% વળતર (જંત્રીના નહીં પરંતુ બજાર કિંમતના) આપવામાં આવે, જેમ રાજસ્થાન સ૨કારે આપ્યું છે.
RoW વિસ્તાર માટે વધારાનું વળતરઃ RoW માટે ૨૧/૦૩/૨૦૨૫ ની ગાઇડલાઇનમાં બજાર કિંમતના ૩૦%, ૪૫%અને ૬૦%આપવાનો ઉલ્લેખ છે. પરંતુ હાઇટેન્શન લાઇનમાં ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ થાંભલા અને તાર બંનેના ક્ષેત્રફળમાં હોવાથી RoW વિસ્તારમાં ૨૦૦%વધારે એટલે કે કુલ ૨૩૦%, ૨૪૫% અને ૨૬૦%વળતર આપવામાં આવે.
બજાર કિંમત માટે MRC કમિટીઃ જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે DLVC કમીટીને બદલે ૨૧/૦૩/૨૦૨૫ ની ગાઈડલાઈન પ્રમાણે MRC કમીટીની રચના કરવામાં આવે.
એકસાથે અને એડવાન્સ વળતરઃ૧૪/૦૬/૨૦૨૪ ની ગાઈડલાઈનના પોઈન્ટ નંબર ૯ પ્રમાણે તમામ પ્રકારનું વળતર (ટાવર વિસ્તારનું, RoW વિસ્તારનું, પાક નુકસાનીનું તથા અન્ય નુકસાન) એક જ હપ્તામાં અને એડવાન્સમાં આપવામાં આવે.
કલેક્ટરની કાર્યવાહી પહેલાં હુકમઃ TSP કંપની ટેલીગ્રાફ એકટ ૧૮૮૫ ની કલમ ૧૦(d) મુજબ સંપૂર્ણ નુકસાનીના વળતરનો હુકમ ખેડૂતોને આપે. આ હુકમ કલેક્ટર કચેરીમાં જમા કરાવ્યા પછી જ કલેક્ટર કલમ ૧૬(૧) હેઠળની કાર્યવાહી ચાલુ કરે.
નવો પરિપત્ર બહાર પાડવા માંગઃ ઉપર મુજબના સુધારા કેન્દ્ર સરકાર ઉર્જા વિભાગની ગાઇડલાઇન ૧૪/૦૬/૨૦૨૪ અને ૨૧/૦૩/૨૦૨૫ માં કરીને, તથા બાકીના નિયમો તેમાં છે તે મુજબ જ રાખીને ગુજરાત ઉર્જા વિભાગ ખેડુત હિતેચ્છુ નવો પરીપત્ર બનાવે. ખેડૂતોએ ‘‘જય જવાન, જય કિસાન'' ના નારા સાથે આશા વ્યક્ત કરી છે કે આગામી ૨ થી ૩ દિવસમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈ પરિપત્ર જાહેર કરવામાં આવશે અને તેમના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવામાં આવશે
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
