News of Thursday, 7th May 2026
નરેન્દ્રભાઈના આગમન પૂર્વે જામનગર ઝગમગી ઉઠ્યું: શહેરમાં દિવાળી જેવો માહોલ
લાલ બંગલાથી સાત રસ્તા અને એરફોર્સ સ્ટેશન માર્ગ સુધી રંગબેરંગી રોશની; નાગરિકોમાં ઉત્સાહ, સેલ્ફી અને વિડિયો વાયરલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 7 : જામનગર શહેરમાં આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાત્રિ રોકાણને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. શહેરમાં વિવિધ સ્થળોએ કરવામાં આવેલા આકર્ષક સાજ-શણગારને કારણે જાણે દિવાળી જેવો ઝગમગતો નજારો સર્જાયો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના સ્વાગત માટે શહેરના મુખ્ય માર્ગો અને સર્કલોને વિશેષ રીતે શણગારવામાં આવી રહ્યા છે. લાલ બંગલા સર્કલ, સાત રસ્તા વિસ્તાર તેમજ દિગજામ સર્કલથી એરફોર્સ સ્ટેશન સુધીના માર્ગ પર આવેલા ડિવાઇડરોમાં સ્થિત ઇલેક્ટ્રિક પોલ પર રંગબેરંગી અને ઝળહળતી લાઇટો લગાવવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તાર પ્રકાશમય બની ગયો છે.
ગઈકાલે રાત્રિના સમયે આ ઝગમગતી રોશનીનો નજારો નિહાળવા માટે અનેક નાગરિકો પોતાના વાહનો લઈને બહાર નીકળ્યા હતા. કેટલાક લોકો પોતાના મોબાઈલ ફોનમાં આ સુંદર દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા હતા, જ્યારે અનેક લોકોએ સેલ્ફી અને વિડિયો બનાવી સોશિયલ માધ્યમોમાં શેર કરતા આ દ્રશ્યો વ્યાપક રીતે પ્રસારિત થયા હતા.
વડાપ્રધાનના આગમનને પગલે જામનગર શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાની સાથે સાથે સૌંદર્યમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે શહેરવાસીઓમાં ગૌરવ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
