News of Wednesday, 27th May 2026
ITRA જામનગરને મળ્યું દેહદાન: સ્વ. ધનલક્ષ્મીબહેન રાણાએ આયુર્વેદ સંશોધન માટે કર્યું મહાદાન
એમ પી શાહ વૃદ્ધાશ્રમના સૌજન્યથી દોહિત્રોની સંમતિથી દેહદાન: આયુર્વેદ અભ્યાસને મળશે નવી દિશા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૭ : આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા એટલે કે આઈ.ટી.આર.એ. જામનગરને ગત રવિવાર 24 મેના રોજ સ્વ. ધનલક્ષ્મીબહેન ચંદુલાલ રાણાનું સદગતિ બાદ દેહદાન પ્રાપ્ત થયું છે. દિવંગતની અંતિમ ઇચ્છાનુસાર એમ પી શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમના સૌજન્યથી તેમના દોહિત્ર જયદીપ તથા તેજશ રાઠોડ રહે આણદાબાવા ચકલો જામનગરની સંમતિથી આ દેહદાન કરવામાં આવ્યું છે.
દેહદાન કરનારના આ પગલાંથી ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ આયુર્વેદને અભ્યાસ અને સંશોધન માટે વધું પ્રોત્સાહન અને તક ઉપલબ્ધ થશે. ITRA ખાતે આયુર્વેદ ક્ષેત્રમાં કાર્યરત રચના શરીર વિભાગમાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ચિકિત્સક સંશોધન અને પ્રાયોગિક કાર્યો માટે સ્વ. ધનલક્ષ્મીબહેન ચંદુલાલ રાણાએ આપેલું મહાદાન મહામૂલું સાબિત થશે.
ITRA જામનગરના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીની સૂચનાથી રચના શરીર વિભાગના વડા પ્રો. કલ્પના રાજે અને સ્ટાફ દ્વારા દિવંગતને દેહદાન માટે ભાવપૂર્વક નમન કરી શ્રધ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી. આયુર્વેદ સંશોધન માટે આપવામાં આવેલું દેહદાન ખરા અર્થમાં ઉપયુક્ત સાબિત થશે તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સંસ્થાએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ કોઈ વ્યક્તિ મૃત્યુ બાદ દેહદાનની ઈચ્છા ધરાવતા હોય તો ITRA જામનગર ખાતે રચના શરીર વિભાગમાં સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન અને માહિતી મેળવી શકે છે અને આયુર્વેદ વિકાસમાં પોતાનું અનેરૂ યોગદાન આપી શકે છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
