News of Friday, 17th April 2026
ટંકારાના સાવડી ગામની ખેડૂત પુત્રી ઈશા કારાવડિયા CBSE ધોરણ-10માં 97.60% સાથે મોરબી જિલ્લામાં પ્રથમ
જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થિનીએ રચ્યો ઈતિહાસ, ત્રણેય બહેનો વેકેશનમાં મિડ-બ્રેઈનના ક્લાસ ચલાવી પિતાને કરે છે આર્થિક મદદ; સાવડી ગામમાં ખુશીની લહેર

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા, તા.૧૭ : ટંકારા તાલુકાના સાવડી ગામના ખેડૂત વિક્રમભાઈ કારાવડિયાની નાની દીકરી ઈશા કારાવડિયાએ CBSE ધોરણ-10ના પરિણામમાં 97.60% ગુણ મેળવીને મોરબી જિલ્લામાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. ખેડૂત પુત્રીની આ સિદ્ધિથી સમગ્ર પંથકમાં ગૌરવની લાગણી છવાઈ છે.
ઈશાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ટંકારા ખાતે પૂર્ણ કર્યા બાદ ધોરણ-6માં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. મહેનત અને લગનના પરિણામે આ વર્ષે તેણે જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ સમાચારથી સાવડી ગામ સહિત આખા મોરબી જિલ્લામાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.
*પ્રેરણાદાયક પરિવાર:* વિશેષ વાત એ છે કે ઈશાની મોટી બે બહેનોએ પણ સાયન્સ પ્રવાહમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. ત્રણેય બહેનો વેકેશન દરમિયાન મિડ-બ્રેઈનના ક્લાસ ચલાવીને પોતાના ખેડૂત પિતા વિક્રમભાઈને આર્થિક રીતે મદદરૂપ બને છે. ખેડૂત પરિવારની આ દીકરીઓની સંસ્કારીતા અને જવાબદારીની ભાવના સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
ઈશાની આ સિદ્ધિથી કારાવડિયા પરિવારમાં ગૌરવનો માહોલ છે. ખેડૂત પરિવારમાંથી આવતી ત્રણેય બહેનોની આ પ્રેરણાદાયક કથા સમાજમાં દીકરીઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
