તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Monday, 20th April 2026
જામનગર મહાનગરપાલિકાની રસપ્રદ ચૂંટણીઃ પ્રચાર સાથે ‘ફૂડ પોલિટિક્સ' ગરમાઈ
કાર્યકરોને રીઝવવા માટે રાત્રિના સમયે ફૂડ સ્ટોલ બની રહ્યા છે આકર્ષણનું કેન્દ્ર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે હવે પ્રચાર સાથે ફૂડ પોલિટિક્સ પણ ચર્ચાનો વિષય બની ગઈ છે.
શહેર ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યા છે. તે જ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ પોતાના કાર્યાલય અને પ્રચાર કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે. આ કાર્યાલયોમાં દિવસભર પ્રચાર યોજનાઓ અને મીટિંગો ચાલે છે, જ્યારે રાત્રિના સમયે કાર્યકરોને જોડાયેલા રાખવા માટે ખાસ ફૂડ સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે.
કુલ ૧૬ વોર્ડમાંથી ઉપરોક્ત ૯ વોર્ડમાં જ ખરાખરીનો જંગ જામ્યો છે, અને અહીં ચૂંટણી પ્રચારનો ધમધમાટ વધુ જોવા મળી રહ્યો છે. પ્રત્યેક ઉમેદવારો પોતાના તરફ મતદારોને આકર્ષવા માટે નવા નુસખાઓ અપનાવી રહ્યા છે, તેમજ કાર્યકર્તાઓની ટિમને દોડતી કરવા માટેના પણ વિશેષ પ્રયાસો થઈ રહ્યા છે.
આ વિસ્તારોમાં દિવસભર મીટિંગો, ઘરઘર સંપર્ક અને રોડ શો જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યારે રાત્રિના સમયે કાર્યકરો માટે નાસ્તા-મિજબાનીની વ્યવસ્થા ખાસ આકર્ષણ બની રહી છે. વિવિધ સ્થળોએ ગાંઠિયા, ભજીયા, સમોસા, સેવ પુરી તેમજ અન્ય નાસ્તાની સાથે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારની સક્રિયતા અને કાર્યકરોને આપવામાં આવતી સુવિધાઓ ચૂંટણીમાં ઉત્સાહ અને સ્પર્ધાને વધુ તેજ બનાવે છે. હાલની પરિસ્થિતિમાં આ વોર્ડોમાં પ્રચાર સાથે કાર્યકરોની હાજરી અને મિજબાની બંને ચૂંટણીમાં ગરમાવો લાવતી જોવા મળી રહી છે. શહેરના કેટલાક ચોક્કસ વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છે, ત્યાં હવે રોડ રસ્તા પર ઉમેદવારોના પ્રચાર માટેના જાહેરમાં બેનરો પણ લાગેલા જોવા મળી રહ્યા છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
