તા. ૧૬ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ શુદ-૧૧, શુક્રવાર
News of Tuesday, 1st September 2026
કચ્છના અંજાર નજીક અજાપર ગામ પાસે ફાયરિંગ સાથે લૂંટ ચલાવનાર આંતરરાજ્ય લૂંટારુ ગેંગ ઝડપાઈ
મધ્યપ્રદેશથી કારમાં ગુનાખોરી માટે કચ્છ આવ્યા અને આદિપુરથી બાઈકની ચોરી કરી અંજાર પાસે લૂંટના ગુનાને અંજામ આપ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : કચ્છના અંજાર તા.ના અજાપર ગામના સીમ વિસ્તારમાં બાઈક સવારને રોકી સોનાની ચેઈનની લૂંટ અને ફાયરિંગ કરનાર આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓને પૂર્વ કચ્છ પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગત ૨૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ અજાપર સીમ વિસ્તારમાં ત્રણ શખ્સોએ બાઈક સવારનો પીછો કરી તેને ધક્કો મારી નીચે પાડી દીધો હતો અને ગળામાંથી સોનાની ચેઈન લૂંટી હતી. આંગળીની વીંટી આપવાનો વિરોધ કરતાં આરોપીઓએ તમંચાથી ફાયરિંગ કરી ફરિયાદીને ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની તપાસ દરમિયાન પોલીસે સીસી ટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને ગુનાહિત ઇતિહાસના આધારે અશોક ઉર્ફે આયગન રમેશ પ્રજાપતિ (ઉ.૩૦), અમિત મનીલાલ જાટવ (ઉ.૧૯) અને જગદીશ ઉર્ફે ગોલુ વિનોદકુમાર જાટવ (ઉ.૨૩)ને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી અશોક પ્રજાપતિએ ફાયરિંગ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ મધ્યપ્રદેશથી કાર મારફતે કચ્છમાં લૂંટના ઇરાદે આવ્યા હતા. તેમણે આદિપુરમાંથી બાઈક ચોરી કરી અજાપર-વરસાણા રોડ પર રેકી કર્યા બાદ તક મળતા લૂંટને અંજામ આપ્યો હતો. આરોપીઓ પાસેથી કાર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે દીપક કુશવાહ (ધોલપુર) અને શીવ (ઉત્તર પ્રદેશ) નામના બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ તથા LCBની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને અટક કરી વધુ તપાસ શરૂ કરી છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
