<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

કચ્છના માતાના મઢ આસપાસના વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગનુ સઘન ચેકિંગઃ પ્રસાદ-મીઠાઈના 31 નમૂના લેવાયા

આસો નવરાત્રીમાં લાખો શ્રદ્ધાળુઓના આરોગ્યની સુરક્ષા માટે કાર્યવાહી; વેપારીઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો જ વેચવા કડક તાકીદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭ :   આસો નવરાત્રી દરમિયાન માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ભક્તો દ્વારા માતાજીના પ્રસાદની ખરીદી કરવામાં આવતી હોવાથી શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તેમજ તેમના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુસર ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), ભુજ-કચ્છ દ્વારા સઘન ચેકિંગ અને સેમ્પલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. FDCAના ફૂડ સેફ્ટી ઓફિસર એસ.બી. પટેલ અને એમ.એમ. પટેલ દ્વારા માતાના મઢ મંદિર આસપાસના વિસ્તારોમાં આવેલી વિવિધ મીઠાઈ તથા પ્રસાદની પેઢીઓની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ ખાદ્ય સુરક્ષાના ધોરણો અંગે ચકાસણી હાથ ધરાઈ હતી.

વેપારીઓને શુદ્ધ અને તાજી મીઠાઈ વેચવા તાકીદ

તપાસ દરમિયાન વેપારીઓને ગ્રાહકો અને શ્રદ્ધાળુઓને સંપૂર્ણપણે શુદ્ધ, ગુણવત્તાસભર અને તાજી મીઠાઈ તથા પ્રસાદ જ ઉપલબ્ધ કરાવવા કડક સૂચના આપવામાં આવી હતી. ખાદ્યપદાર્થોમાં અસ્વચ્છતા, ભેળસેળ કે બિનઆરોગ્યપ્રદ પદાર્થોના ઉપયોગ સામે તંત્ર દ્વારા સખત વલણ અપનાવવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.

31 ખાદ્યપદાર્થોના નમૂના લેબોરેટરીમાં મોકલાયા

મંદિર પરિસર અને આસપાસની વિવિધ દુકાનોમાંથી ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે કુલ 31 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં પેંડા, મિલ્ક કેક, સાકરીયા, રેવડી, પકવાન, ખાંડ-સાકર, સાટા, થાબડી પેંડા સહિતના વિવિધ પ્રસાદ અને ખાદ્યપદાર્થોના નમૂનાઓનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટના આધારે નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સેવા કેમ્પોની પણ મુલાકાત

માતાના મઢ તરફ જતા માર્ગો પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સમિતિઓ દ્વારા પદયાત્રીઓ માટે વિનામૂલ્યે સેવા કેમ્પો ચલાવવામાં આવે છે. FDCAની ટીમ દ્વારા આવા સેવા કેમ્પોની પણ મુલાકાત લેવામાં આવી હતી. આયોજકો અને સેવા આપતા કાર્યકરોને ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા અને હાઈજેનિક ખોરાક-પાણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(9:38 AM IST)