News of Friday, 2nd October 2026
કચ્છની દરિયાઈ સરહદે મરીન કમાન્ડોની સઘન ચેકિંગ ડ્રાઈવ
સીધોડી બીચથી યક્ષ મંદિર, ખીદરત ટાપુ, જખૌ બંદર, ભારતસોલ્ટ અને શિયાળબારી સુધી બોટોનું ચેકિંગઃ માછીમારોને શંકાસ્પદ બોટ અને વ્યક્તિઓ અંગે સતર્ક રહેવા સૂચના

(વિનોદ ગાલા દ્વારા ભુજ) મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા કચ્છની દરિયાઈ સરહદે સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. DySP આર.એમ. ચૌધરીના નેતળત્વ હેઠળ જખૌ સેક્ટરની સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ખાસ ડ્રાઈવ દરમિયાન સીધોડી બીચ, યક્ષ મંદિર, ખીદરત ટાપુ, જખૌ બંદર, ભારતસોલ્ટ અને શિયાળબારી સહિતના દરિયાઈ વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી બોટ ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરિયાઈ વિસ્તારમાં અવરજવર કરતી બોટોની તપાસ ઉપરાંત સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી ચકાસણી કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન સ્થાનિક માછીમારોને પણ સુરક્ષા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને અજાણ્યા અથવા શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટની હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસ અથવા સંબંધિત સુરક્ષા એજન્સીઓને જાણ કરવા જણાવાયું હતું.
મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા, DIGP એ.એમ. મુનિયા અને S.P. એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને કચ્છની દરિયાઈ સરહદે પણ મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ સરહદની સુરક્ષા વધુ મજબૂત બનાવવા તેમજ કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
