<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

રણલોંકડીની સંખ્‍યામાં એક વર્ષમાં વધારો

કચ્‍છના નાના રણમાં ૧ વર્ષમાં ૪૦ હતી જે અત્‍યારે ૨૦૦થી વધુ સંખ્‍યા થઈ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢ઼વાણ તા.૧૪: રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. જ્‍યારે ખારાઘોઢાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્‍યા છેલ્લા એક જ વર્ષમાં ૨૦૦થી પણ વધુ સંખ્‍યામાં હોવાનું વનવિભાગનું માનવુ છે. આ રણલોંકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્‍થિતી દર્શાવે છે. ર

રણમાં સામાન્‍ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે. રણમાં આવેલા કુલ ૭૪ પ્રકારના વિવિધ બેટોમાંથી પુમ્‍બ બેટ પર રણલોંકડીના ૯ જીવંત દર મળી આવ્‍યા બાદ વનવિભાગના જણાવ્‍યાનુસાર અગાઉ રણમાં રણલોંકડીની સંખ્‍યા અંદાજે ૪૦થી ૫૦ સુધી હતી.

રણલોંકડીએ ભુખરા રંગનું વાળવાળું અને ગુચ્‍છાદાર પૂંછડીવાળુ પ્રાણી છે. રણલોંકડીએ કદમાં શીયાળ કરતા નાનું અને દોડવામાં પાવર વધુ હોય છે. એની લંબાઇ અને ઉંચાઇ ૮૦ સેમી વજન ૪ કિલો અને આયુષ્‍ય માત્ર ૬ વર્ષનું હોય છે. તે સામાન્‍ય રીતે સુકા, પાંખા ઝાડીવાળા જંગલ તથા વીડમાં જોવા મળે છે. લોંકડી જમીનમાં દર બનાવીને રહે છે. દરમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે. આ પ્રાણી મોટેભાગે જોડીમાં જોવા મળે છે. સાંજના સમયે રણલોંકડી તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્‍થિતી દર્શાવે છે. રાત્રે અને સાંજના સમયે વિશિષ્ઠ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળી પડે છે.

અગાઉ રણમાં અંદાજે ૪૦થી ૫૦ની સંખ્‍યામાં રણ લોંકડી હતી. રણમાં રણલોંકડીના ૬૦ જેટલા બચ્‍ચાઓ જોવા મળ્‍યા છે. હાલમાં રણમાં અંદાજે ખુબ જ મોટી સંખ્‍યામાં રણલોંકડી હોવાનો અંદાજ છે. આ સિવાય રણમાં દુર્લભ કાળીયારનું ઝુંડ અને વરૂની પણ હાજરી જોવા મળી છે. (બી.એમ. પટેલ, ડિસ્‍ટ્રિક્‍ટ ફોરેસ્‍ટ ઓફિસર, અભ્‍યારણ્‍ય વિભાગ, ધ્રાંગધ્રા)

(1:23 PM IST)