News of Saturday, 1st August 2026
ગોંડલ એપીએમસી ખાતે કૃષિ મંડળીઓ (પીએસીએસ) માટે યોજાયો મહત્વનો સેમિનાર
પેક્સ મંડળીઓને આત્મનિર્ભર અને હાઇટેક બનાવવા વિવિધ સરકારી યોજનાઓનું અપાયું સઘન માર્ગદર્શન

રાજકોટ:: પ્રાથમિક કૃષિ મંડળીઓ (પીએસીએસ)ને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા તેમજ કૃષિ-ગ્રામ્ય વિકાસને વેગ આપવાના હેતુથી ગત તા. ૨૪ જુલાઈના રોજ એપીએમસી ગોંડલ ખાતે એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળીઓના માળખાગત વિકાસ, આર્થિક સહાય અને પ્રાકૃતિક ખેતીને લગતી યોજનાઓની વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરથી ખાંડ અને સહકારી મંડળીઓના નિયામક શ્રી સુનીલ ચૌધરી તથા રાજકોટ જિલ્લા રજીસ્ટ્રાર ડો. બિમલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગોંડલ એપીએમસીના વાઇસ ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, આરડીસી બેંકના જી.એમ. શ્રી વી.એમ. સખીયા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી હસમુખ વાદી, એપીએમસી સેક્રેટરી શ્રી તરુણભાઈ પાંચાણી, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર શ્રી વાય.ડી. દુધાત્રા (હાઉસિંગ) અને શ્રી એન.ડી. ચાવડા (ગ્રાહક), તેમજ કચેરી અધિક્ષક સુશ્રી ગીતાબેન જીવાણી સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં નિયામક શ્રી સુનિલ ચૌધરીએ મંડળીઓને એનસીઈએલ મારફતે ખેત પેદાશોની સીધી વિદેશમાં નિકાસ કરી ઊંચા ભાવ મેળવવા અને એનસીઈએલ દ્વારા ઓર્ગેનિક પાકના બ્રાન્ડિંગ અંગે માહિતગાર કર્યા હતા. જ્યારે જિલ્લા રજીસ્ટ્રાર ડો. બિમલ પટેલે પીએસીએસ ને સુસજ્જ ઓફિસ મકાન બનાવવા મહત્તમ ૮ લાખ સુધીની (૫૦%) સહાય તેમજ 'વર્લ્ડ લાર્જેસ્ટ ગોડાઉન યોજના' હેઠળ ૫૦૦ થી ૫૦૦૦ મેટ્રિક ટનના ગોડાઉન નિર્માણ માટે ૬૫% સબસિડી (મહત્તમ ૧૦,૦૦૦ રૂ. પ્રતિ મેટ્રિક ટન) અંગે સમજૂતી આપી હતી. વધુમાં મંડળીઓને 'પાણી સમિતિ' બનાવી જળ સંચય કરવા અને 'કોમન સર્વિસ સેન્ટર (CSC)' તરીકે રૂપાંતરિત કરી ગામડાઓમાં જ ડિજિટલ સેવાઓ પૂરી પાડવાનો મહત્વકાંક્ષી પ્લાન પણ રજૂ કર્યો હતો.
આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી હસમુખ વાદીએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી અને તે માટે મળતી દેશી ગાયના નિભાવની માસિક સહાય તથા જીવામૃત કિટ્સની સમજ આપી હતી. અંતમાં યોજાયેલ પ્રશ્નોત્તરી સત્રમાં હોદ્દેદારોના મૂંઝવતા પ્રશ્નોનું અધિકારીઓ દ્વારા સંતોષકારક નિવારણ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
