News of Friday, 22nd May 2026
ટંકારાના સરાયા ગામે ચારિત્ર્ય ઉપર શંકા કરી પત્ની હત્યા કરી પતિએ ઝેરી દવા ગટગટાવી
પતિ લક્ષ્મણભાઇ કતિજાને ગંભીર હાલતમાં મોરબી હોસ્પી.માં ખસેડાયો

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર મહિલાનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : જયેશ ભટ્ટાસણા ટંકારા)
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. રર :.. ટંકારા તાલુકાના સરાયા ગામે સર્જાયેલા કરુણ અને ચકચારી મર્ડર કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. સરાયા ગામની સીમમાં પત્નીના ચરિત્ર પર શંકા રાખી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ, હત્યારા પતિએ પોતે પણ ખેતરમાં રહેલી જંતુનાશક દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. હાલ આરોપી પતિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, સરાયા ગામની સીમમાં આવેલી અનીલભાઈ જશમતભાઈ ઢેઢી (પટેલ) ની વાડીમાં મૂળ મધ્યપ્રદેશના ધાર જીલ્લાના વતની લક્ષ્મણભાઈ રેવસીંગ કતિજા અને તેમની પત્ની રુકમાબેન (ઉં.વ. ૪૩) ખેત મજૂરી કરતા હતા. આરોપી લક્ષ્મણભાઈને પોતાની પત્ની રુકમાબેન પર અન્ય કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધો હોવાની શંકા હતી.
ગઈકાલ તારીખ ૨૧/૦૫/૨૦૨૬ ના રોજ સવારના ૭ વાગ્યા પહેલા ગમે તે સમયે આ શંકાના વહેમમાં ઉશ્કેરાઈને લક્ષ્મણભાઈએ રુકમાબેનના માથા તેમજ મોઢાના ભાગે ઈંટ જેવા બોથડ પદાર્થના ઘા ઝીંકી દીધા હતા. આ હિંસક હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે રુકમાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ આરોપી પતિ લક્ષ્મણભાઈ કતિજાએ પસ્તાવો કે પકડાઈ જવાના ડરથી ખેતરમાં પડેલી જંતુનાશક (ઝેરી) દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ ટંકારા ૧૦૮ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ૧૦૮ ના પેરામેડિકલ સ્ટાફે ઝેરની અસર હેઠળ રહેલા આરોપી પતિને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો,
આ મામલે વાડી માલિક અનીલભાઈ પટેલે ટંકારા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આરોપી લક્ષ્મણભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) (હત્યા) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ (જાહેરનામા ભંગ) મુજબ ગુનો દાખલ કર્યો છે. હાલ આ કેસની આગળની કાયદેસરની તપાસ ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.ડી.ઝાલા ચલાવી રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા આરોપીની તબિયતમાં સુધારો આવ્યા બાદ પોલીસ તેની સત્તાવાર અટકાયત કરશે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
