તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના નિઃશુલ્ક આરોગ્ય યજ્ઞમાં ભાવનગરના દાતાઓનો મોટો સહયોગ : દર્દીનારાયણની સેવા માટે ૫૧ લાખ રૂપિયાનું માતબર અનુદાન અર્પણ કરાયું
હોસ્પિટલના સેવાકાર્યોથી પ્રભાવિત થઈને જીતેન્દ્રભાઈ લાલજીભાઈ ઠેસીયા અને તેમના ભાગીદાર નટવરલાલ શામજીભાઈ ત્રાંગડિયા દ્વારા ઉમદા જાહેરાત : ટ્રસ્ટી મંડળ દ્વારા શાલ અને પુસ્તક અર્પણ કરી દાતાઓનું કરાયું ભવ્ય બહુમાન

ભાવનગર: માનવસેવાની સુવાસ ફેલાવતી અને દીન-દુખિયાના બેલી તરીકે જાણીતી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જીલ્લો ભાવનગર) ખાતે ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યોમાં વધુ એક મોટું અને પ્રેરણાદાયી દાન પ્રાપ્ત થયું છે. હોસ્પિટલ દ્વારા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ચલાવવામાં આવતી દર્દીનારાયણની ઉમદા સેવાથી પ્રભાવિત થઈને ભાવનગરના વતની જીતેન્દ્રભાઈ લાલજીભાઈ ઠેસીયા અને તેમના વ્યવસાયિક ભાગીદાર નટવરલાલ શામજીભાઈ ત્રાંગડિયા દ્વારા હોસ્પિટલને ૫૧,૦૦,૦૦૦ રૂપિયા (અંકે રૂપિયા એકાવન લાખ પૂરા) નું માતબર અનુદાન અર્પણ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ આર્થિક સહયોગ હોસ્પિટલમાં આવતા જરૂરિયાતમંદ દર્દીઓની નિઃશુલ્ક સારવાર અને આરોગ્યલક્ષી સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે વાપરવામાં આવશે.
હોસ્પિટલ તંત્ર અને હોદ્દેદારો દ્વારા દાતાઓનું વિશેષ સન્માન:
આ ઉમદા જાહેરાત કરવાના પ્રેરણાદાયી પ્રસંગે હોસ્પિટલ પરિસર ખાતે દાતાઓ માટે એક સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દાતાશ્રીઓનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના મંત્રી પરેશભાઈ કે. ડોડિયા, ઉપપ્રમુખ રસિકભાઈ ભીંગરાડિયા, ખજાનચી લવજીભાઈ કે. નાકરાણી તેમજ હોસ્પિટલના ગૌશાળા વિભાગમાં પોતાની અમૂલ્ય સેવા આપતા બુધાભાઈ ગલાણી દ્વારા દાતાઓને બ્રહ્મીભૂત પરમ પૂજ્ય સદ્ગુરુદેવ લિખિત પ્રેરણાદાયી પુસ્તક ‘જિજ્ઞાસુ પિયુષ’, સન્માનનીય શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટ્રસ્ટી મંડળે વ્યક્ત કર્યો હૃદયપૂર્વકનો આભાર:
સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ અને હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા જીતેન્દ્રભાઈ લાલજીભાઈ ઠેસીયા તથા નટવરલાલ શામજીભાઈ ત્રાંગડિયા તેમજ તેમના સમગ્ર પરિવારજનોનો આ કપરા સમયમાં અને અપ્રતિમ સેવા યજ્ઞમાં સહભાગી થવા બદલ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પ્રકારના નિઃસ્વાર્થ દાનથી હોસ્પિટલના સેવાકાર્યોને નવી ઉર્જા મળે છે અને સમાજમાં માનવતાનો સંદેશ વધુ દ્રઢ બને છે તેમ સંસ્થા દ્વારા જણાવાયું છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
