<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ગોંડલ APMCમાં કેરીની મબલખ આવક, આજે 27,115 બોક્સની આવક સાથે યાર્ડ કેસરીયું બન્યું, હાફૂસ અને કેસરના ભાવમાં તેજી-મંદીનો માહોલ

સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં કેસર કેરીની સિઝન જામી, 10 કિલોના બોક્સના ભાવ 800થી 1400 રૂપિયા સુધી બોલાયા, ગુણવત્તા પ્રમાણે હાફૂસના ભાવ 1200થી 2200 રૂપિયા, વેપારીઓની ભીડથી યાર્ડમાં તેજીનો માહોલ

ગોંડલ, તા. 11 : રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેરીની સિઝન પૂરબહારમાં ખીલી છે. આજે યાર્ડમાં કેરીના 27,115 બોક્સની મબલખ આવક નોંધાતા સમગ્ર યાર્ડ કેસરીયા રંગે રંગાઈ ગયું હતું. સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાની વાડીની મીઠી મધ જેવી કેરી લઈને વહેલી સવારથી યાર્ડમાં ઉમટી પડ્યા હતા. કેરીની બમ્પર આવકને કારણે યાર્ડમાં વેપારીઓ અને દલાલોની ભારે ભીડ જોવા મળી હતી.

 

આજના ભાવ કેવા રહ્યા?

 

આજે ગોંડલ APMCમાં કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ ગુણવત્તા પ્રમાણે 800 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધીના બોલાયા હતા. સામાન્ય ક્વોલિટીની કેસર 800થી 1000 રૂપિયા, મિડિયમ ક્વોલિટી 1000થી 1200 રૂપિયા અને સુપર ક્વોલિટીની કેસર 1200થી 1400 રૂપિયાના ભાવે વેચાઈ હતી. જ્યારે હાફૂસ કેરીના 10 કિલોના બોક્સના ભાવ 1200 રૂપિયાથી શરૂ થઈ 2200 રૂપિયા સુધી પહોંચ્યા હતા. વેપારીઓના જણાવ્યા અનુસાર, હાફૂસની આવક ઓછી હોવાથી તેના ભાવ ઊંચા રહ્યા છે.

 

20 કિલો બોક્સના ભાવ

 

જે ખેડૂતો 20 કિલોના બોક્સ લઈને આવ્યા હતા તેમને કેસરના 1600થી 2800 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. હાફૂસ કેરીના 20 કિલોના બોક્સ 2400થી 4400 રૂપિયા સુધી વેચાયા હતા. યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેસરની સરખામણીએ હાફૂસની આવક માત્ર 5 થી 7 ટકા જેટલી છે, જેથી તેના ભાવ ઊંચા બોલાઈ રહ્યા છે.

 

બજારમાં તેજીનો માહોલ

 

છેલ્લા એક અઠવાડિયાથી ગોંડલ યાર્ડમાં કેરીની આવક સતત વધી રહી છે. આજે 27 હજારથી વધુ બોક્સની આવક થતા યાર્ડમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ગરમી વધવાની સાથે કેરીની માંગ પણ વધી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર ભારતના વેપારીઓ પણ ગોંડલ યાર્ડમાંથી મોટા પ્રમાણમાં કેરીની ખરીદી કરી રહ્યા છે. યાર્ડના વેપારીઓનું કહેવું છે કે હજુ 15થી 20 દિવસ સુધી આવક આવી જ જળવાઈ રહેશે. સારી ક્વોલિટીની કેરીને હાલ સારા ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.

(3:36 PM IST)