<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: વૃદ્ધા પર બળાત્કાર અને હત્યાના ચકચારી કેસમાં નરાધમને ફાંસીની સજા

મુંદરા તાલુકામાં વર્ષ ૨૦૨૩માં બનેલી અમાનવીય ઘટનામાં ભુજની સેશન્સ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો:દેવ દર્શને નીકળેલા ૬૫ વર્ષના વૃદ્ધાનું અપહરણ કરી બર્બરતાપૂર્વક દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા ૨૪ વર્ષીય સચિન માવજી કુંવરીયાને કોર્ટે 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ ગણી ફાંસીની સજા ફટકારી

કચ્છના મુંદરા તાલુકામાં વર્ષ ૨૦૨૩માં બનેલી એક અત્યંત અમાનવીય ઘટનામાં ભુજની સેશન્સ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. દેવ દર્શને નીકળેલા ૬૫ વર્ષના વૃદ્ધાનું અપહરણ કરી, તેમના પર બર્બરતાપૂર્વક દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા ૨૪ વર્ષીય સચિન માવજી કુંવરીયાને કોર્ટે 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ ગણી ફાંસીની સજા ફટકારી છે.

માનવતાને શર્મસાર કરનારા આ બનાવની વિગત મુજબ, ગત ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ મુંદરાના રતાડીયા ગામે રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધા પડોશના ચુકાલા ગામે રામદેવપીરના દર્શન કરવા એકલા નીકળ્યા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે લુણી ગામના વતની અને હાલ નારાણપર રહેતા સચિન કુંવરીયાએ લિફ્ટ આપવાના બહાને તેમને પોતાની પલ્સર મોટરસાઇકલ પર બેસાડ્યા હતા. જોકે, સેવાના બદલે હેવાનીયત પર ઉતરી આવેલા આરોપીએ વૃદ્ધાને અવાવરુ જગ્યાએ લઈ જઈ તેમની પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં પોતાની પાસે રહેલી લુંગીથી શ્વાસ રૂંધી તેમની ક્રૂર હત્યા કરી નાખી હતી.

વૃદ્ધા ઘરે પરત ન ફરતા પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એસ. ત્રિવેદી અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે તપાસ તેજ કરી આરોપી સચિનની ધરપકડ કરી હતી. કેસમાં મહત્વના પુરાવાઓ તરીકે એફ.એસ.એલ.ના રિપોર્ટમાં આરોપીના બ્લડ સેમ્પલ અને વીર્યના નમૂના મૃતકના અવશેષો સાથે મેચ થયા હતા.

સાક્ષીએ મામલતદાર સમક્ષ આરોપીને ઓળખી બતાવ્યો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી અત્યંત ગુસ્સાવાળો અને વિકૃત માનસિક્તા ધરાવતો હતો, જેના કારણે તેની પત્ની પણ તેને છોડીને જતી રહી હતી. 

 

(11:53 PM IST)