News of Thursday, 2nd July 2026
રાજુલાના ચોત્રા ગામે ધોધમાર વરસાદઃ રાયડી નદીમાં ઘોડાપુર, ૨૦-૨૫ ઘેટાં-બકરાં તણાયા, દેવીપૂજક યુવાનનો આબાદ બચાવ
પૂરમાં તણાતાં પશુઓને બચાવવા ૩૦૦ મીટર પાણીમાં ઝંપલાવ્યું, સ્થાનિકોની મદદથી યુવાનનો જીવ બચ્યો, પશુધનનું નુકસાન

(રહીમ વસાયા દ્વારા) મહુવા તા.૨: સૌરાષ્ટ્રના રાજુલા તાલુકાના ચોત્રા ગામે આજે ધોધમાર વરસાદના કારણે રાયડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. પૂરના પાણીમાં ગામના એક દેવીપૂજક યુવાનના ૨૦થી ૨૫ જેટલાં ઘેટાં-બકરાં તણાઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે બપોર બાદ ચોત્રા પંથકમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે રાયડી નદીમાં અચાનક પૂર આવ્યું હતું. નદી કાંઠે ચરાવવા માટે લઈ જવાયેલા ઘેટાં-બકરાં પાણીના અવિરત પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. પોતાનું પશુધન બચાવવા માટે દેવીપૂજક યુવાન નદીના ધસમસતા પ્રવાહમાં આશરે ૨૦૦ થી ૩૦૦ મીટર સુધી અંદર ગયો હતો.
જો કે પાણીનો પ્રવાહ ખૂબ તેજ હોવાથી યુવાન પણ તણાવા લાગ્યો હતો. સદ્ભાગ્યે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ગ્રામજનોની સમયસરની મદદ અને બચાવ કામગીરીના કારણે યુવાનને નદીના પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. યુવાનનો આબાદ બચાવ થયો છે, પરંતુ ૨૦ થી ૨૫ ઘેટાં-બકરાં પૂરમાં તણાઈ જવાથી પશુધનનું મોટું નુકસાન થયું છે.
ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિતાનો માહોલ છે. વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ યુવાનની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
