News of Monday, 14th September 2026
સાંજે જામનગર-દ્વારકા-પોરબંદર-કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી
આજની વરસાદની સંભાવના : ગુજરાત રાજ્યમાં મજબૂત ટ્રફ સક્રિય : બપોર બાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા : વેધરમેન ઉતમ માળીની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા)તા.૧૪ : ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ મજબૂત ટ્રફના સ્વરૂપમાં સક્રિય છે અને તેનો પ્રભાવ અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે.
આજનો વરસાદી ટ્રેન્ડ આ મુજબ રહેશે. સવારથી બપોર સુધીમાં ભાવનગર-અમરેલી-બોટાદ પટ્ટામાં સવારથી જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે અને દિવસ દરમિયાન નવા વરસાદી પેચ વિકસવાની શક્યતા છે.
બપોર બાદ વરસાદી પ્રવૃત્તિ ઉત્તર ગુજરાત તરફ વધશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા ભારે ઝાપટાં અને ગાજવીજ સાથે અચાનક ભારે વરસાદ થઈ શકે છે.
રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ વધુ સક્રિય થશે. જ્યાં સિસ્ટમના મજબૂત પેચ પસાર થશે ત્યાં ખૂબ ઓછા સમયમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે.
સાંજથી રાત્રિ - જામનગર, દ્વારકા, પોરબંદર, કચ્છ આ વિસ્તારોમાં સાંજથી રાત્રિ દરમિયાન ભારે વરસાદના પેચ જોવા મળી શકે છે. કેટલાક સ્થળોએ ટૂંકા સમયમાં ધોધમાર વરસાદની શક્યતા છે.આ પ્રકારની આગાહી વેધરમેન ઉતમ માળીએ કરી છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
