News of Friday, 3rd July 2026
જોડીયાના ટીંબડી ગામે કાળજું કંપાવતી ઘટનાઃ બાળકને વીજ કરંટથી બચાવવા જતાં શ્રમિક માતાનું પણ મોત
મગફળીના ખેતરમાં નીંદણ કરતી વખતે દોઢ વર્ષનો બાળક શેઢે રમતાં-રમતાં કરંટની ઝપેટમાં આવ્યોઃ ધ્રોલ હોસ્પિટલમાં બંનેને મૃત જાહેર કર્યા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૩: જોડીયા તાલુકાના ટીંબડી ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. ખેતરમાં મગફળીનું નીંદણ કરી રહેલી એક શ્રમિક માતાની નજર સામે જ તેના દોઢ વર્ષના દીકરાને વીજળીનો શોક લાગ્યો હતો. પોતાના કાળજાના ટુકડાને બચાવવા માટે માતાએ જીવના જોખમે દોટ મૂકી હતી, પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા. દીકરાને બચાવવાના પ્રયાસમાં માતા પણ કરંટની ઝપેટમાં આવી ગઈ હતી અને અંતે માતા-પુત્ર બંનેએ દમ તોડી દેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે
મૂળ છોટાઉદેપુર જિલ્લાના ઢોરકુવા ગામના વતની અને હાલ જોડીયાના ટીંબડી ગામે બલભદ્રસિંહ જાડેજાની વાડીમાં ખેતમજૂરી કરતા લીલસીંગ હેમલાભાઇ નાયકાના પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું છે. ગઈકાલે ગુરૂવારે બપોરના લીલસીંગભાઈના પત્ની ગીતાબેન (ઉં.વ. ૨૨) વાડીમાં મગફળીના પાકમાં નીંદણ કામ કરી રહ્યા હતા. આ સમય રાજેશ ખેતરના શેઢે રમી રહ્યો હતો
રમતા-રમતા અચાનક માસૂમ બાળકને વીજ કરંટ લાગ્યો હતો. દીકરાને તડફડતો જોઈને ગીતાબેને કંઈ પણ વિચાર્યા વગર તેને બચાવવા માટે છલાંગ લગાવી હતી. પરંતુ વીજપ્રવાહ એટલો જોરદાર હતો કે ગીતાબેન પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા માતા-પુત્ર બંનેને તાબડતોબ સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસીને બંનેને મળત જાહેર કર્યા હતા.
આ બનાવની જાણ થતાં જ જોડીયા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. આ અંગે મળતક મહિલાના પતિ લીલસીંગ હેમલાભાઇ નાયકાએ જાહેર કરતાં જોડીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. વી. શિયારે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે જોડીયાના પોલીસ સ્ટેશન (PSI) કે. ડી. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
