<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

કચ્‍છમાં માથાભારે શખ્‍સો બેફામઃ જૂની ચીરઈ ગામે પોલીસ ટુકડી ઉપર હુમલો

નખત્રાણામાં ફોરેસ્‍ટ ઓફિસમાં વનરક્ષક ઉપર કોલ માફિયાઓનો હુમલો : પીએસઆઇ સહીતની પોલીસ ટીમ ઉપર લૂંટના આરોપીઓએ હુમલો કર્યો, જ્‍યારે વનરક્ષક ઉપર ફોરેસ્‍ટ ઓફિસમાં કોલ માફિયાઓનો હુમલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા. ૬: કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ કચ્‍છ જિલ્‍લામાં માથાભારે શખ્‍સો બેફામ બની રહ્યા છે. કાયદાની રખેવાળ એવી સરકારી એજન્‍સીઓ ઉપર હુમલાના બનેલા બે અલગ અલગ બનાવોએ ચર્ચા સાથે ચકચાર સર્જી છે. ભચાઉ તાલુકાના જૂની ચીરઈ ગામે લૂંટના બે ગુનેગારોને ઝડપવા ગયેલી રાપર પોલીસની ટીમ ઉપર હુમલો કરાયો હતો. પીએસઆઈ ભરત ચૌધરી તેમની પોલીસ ટીમ સાથે લૂંટના બે આરોપીઓ સંજય વિશનજી લોદરીયા અને હિતેશ બેચરભાઈ લોદરીયાને ઝડપવા ગયા ત્‍યારે યુવરાજાસિહ જાડેજા અને સ્‍વરુપસિહ સોઢા પોલીસ ટીમની આડે આવી ગયા હતા અને બંને આરોપીઓ સંજય તેમ જ હિતેશને ભગાડી મૂક્‍યા હતા. પીએસઆઈ ભરત ચૌધરીએ ફરજમાં રૂકાવટ નહીં કરવા જણાવતા અપશબ્‍દો ભાંડી તારા જેવા ઘણા પીએસઆઈ જોઈ લીધા એવું કહી હુમલો કરી પીએસઆઈને નીચે પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્‍યા હતા. આ અંગે ભચાઉ પોલીસમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોધાઈ છે. 

નખત્રાણામાં બેરૂ રોડ ઉપર રાત્રે પેટ્રોલિગ દરમ્‍યાન વનરક્ષક ભારુભાઈ નારાણભાઈ ચારણ અને રાહુલ લક્ષ્મણભાઈ ચૌધરીએ કોલસો ભરેલ આઈસર ટ્રક રોકી કાગળીયા પરમિટ ન હોઈ રાત્રે ફોરેસ્‍ટ ઓફિસ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા લઈ ગયા હતા. ત્‍યારે બે ટુ વ્‍હીલર ઉપર આવેલા જયદીપસિહ દીનબંધુસિહ જાડેજા, રાજકુમાર દિનબંધુસિહ જાડેજા અને દાદુભા જાડેજાએ વનરક્ષક ભારુભાઈ ઉપર હુમલો કરી, ગડદાપાટુંનો માર મારી ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. આ સમયે બૂમાબૂમ કરતા ફોરેસ્‍ટ કોલોનીના અન્‍ય કર્મીઓ દોડી આવ્‍યા હતા અને તેમને છોડાવ્‍યા હતા. દરમ્‍યાન આરોપીઓ કોલસો ભરેલ ટ્રક સાથે નાસી છૂટ્‍યા હતા. આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ જાનથી મારી નાખવાની ધમકી સાથે પોલીસ ફરિયાદ કરાઈ છે. સરહદી કચ્‍છ જિલ્‍લામાં કડક કાયદો વ્‍યવસ્‍થા રાષ્ટ્ર હિત માટે આવશ્‍યક છે.

(11:20 AM IST)