<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ચોટીલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જીડિયાને જુગાર કેસમાં જામીન માટે 27 હજારની લાંચ લેતા રાજકોટ ACB એ રંગેહાથ ઝડપી લીધો

ચોટીલામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એક પોલીસ હેડ કોન્સ્ટેબલને ₹27,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જાગાભાઈ જીડિયા (ઉંમર 30 વર્ષ) સામે ACBએ લાંચનો ગુનો નોંધ્યો છે.

ફરિયાદીના ગામના કેટલાક લોકો વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં જુગારનો કેસ નોંધાયો હતો. આ કેસમાં આરોપીઓના જામીન કરાવવા માટે હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જીડિયાએ ફરિયાદી પાસેથી ₹27,000ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે ACBએ બુધવારે ટ્રેપ ગોઠવી હતી.

ટ્રેપ દરમિયાન ચોટીલા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં, ડી-સ્ટાફ ઓફિસના દરવાજા સામે જાહેર જગ્યાએ, હેડ કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી ₹27,000ની લાંચ લીધી. ACBની ટીમે તેમને તરત જ રંગેહાથ પકડી લીધા. ACBએ લાંચની આખી રકમ ₹27,000 રિકવર કરી છે.

આ ટ્રેપની કાર્યવાહી ACB રાજકોટ એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકીની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. પોલીસ કર્મચારી લાંચના કેસમાં ઝડપાતા ચોટીલા પોલીસ વિભાગમાં ચર્ચા શરૂ થઈ છે. ACB આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

(11:40 PM IST)