News of Monday, 27th July 2026
સાંદીપનિ ગુરુકુળ પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમા પૂર્વ સંધ્યાએ ગુરુજનોનું ભાવપૂજન : ‘પોરબંદર બન્યું સારસ્વતોનું સન્માન ધામ’ વિષયક શિક્ષણ પરિસંવાદ યોજાયો
ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી છેલ્લા ૧૫ વર્ષથી યોજાતા ઉપક્રમમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો અને એવોર્ડ વિજેતા સારસ્વતોનું સન્માન : શિક્ષણ, સંવેદના અને ઈનોવેશનના અનુભવોથી સાંદીપનિ પરિસર ગુંજી ઉઠ્યું

પોરબંદર : પોરબંદરની પવિત્ર સાંદીપનિ ધરા ખાતે ગુરુપૂર્ણિમાના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ ગુરુ વંદનની પરંપરાને ઉજાગર કરતો વિશિષ્ટ શિક્ષણ પરિસંવાદ અને "સારસ્વત સન્માન" સમારોહ યોજાઈ ગયો. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી છેલ્લા ૧૫ વર્ષથી યોજાતા આ ભાવપૂજન કાર્યક્રમમાં રાજ્યભરમાંથી પસંદ કરાયેલા શિક્ષકો, આચાર્યો અને શિક્ષણવિદોએ હાજરી આપીને શિક્ષણ ક્ષેત્રના પોતાના વિશિષ્ટ અને પ્રેરણાદાયી અનુભવો રજૂ કર્યા હતા.
પ્રથમ સત્ર - રાજ્યના ૩૫ શિક્ષકોના અદભૂત અનુભવોનું રસપાન:
સવારના પ્રથમ સત્રમાં રાજ્યની વિવિધ સરકારી અને ગ્રામીણ શાળાઓમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ૩૫ જેટલા શિક્ષકો તથા આચાર્યોએ પોતાના અનુભવો શેર કર્યા હતા. પરિસંવાદમાં એવી સરકારી શાળાઓનો પરિચય થયો જ્યાં મર્સિડીઝ કાર ધરાવતા વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવવા આવે છે, જ્યારે અન્ય એક શાળાના ૧૦૦ થી વધુ તમામ શિક્ષકોના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત, ડાંગના છેવાડાના આદિવાસી ગામ બિલીઆંબાની છોકરી ભારતની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવીને આંતરરાષ્ટ્રીય ખેલાડી બની તે ગૌરવવંતી ગાથા પણ રજૂ થઈ હતી. શિક્ષકોએ સમાજના મોભી બનીને શાળાને ગામનું "ગણેશજી" બનાવી શિક્ષણને ચાર દીવાલોની બહાર સમાજ સુધી પહોંચાડ્યું હોવાનો સુર વ્યક્ત થયો હતો.
બપોર પછીનું સત્ર - શ્રેષ્ઠ એવોર્ડ વિજેતા સારસ્વતોનું ભાવપૂજન:
સાંદીપનિ ગુરુકુળ દ્વારા શિક્ષણ ક્ષેત્રે આજીવન યોગદાન આપનારને "લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ", "શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ", "ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ" અને "શિક્ષણ-પ્રશિક્ષણ સારસ્વત સન્માન" એમ કુલ પાંચ સન્માન આપવામાં આવે છે.
ડૉ. છગનભાઈ ટુંડિયા: સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય ડૉ. છગનભાઈ ટુંડિયાએ તાલીમ ભવનને માત્ર કચેરી ન રાખતાં શિક્ષણની ઉપાસનાનું ધામ બનાવ્યું છે. તેમણે પોતાના ગુરુને યાદ કરી સમરસતાને સનાતન ધર્મની ઓળખ ગણાવી હતી.
ડૉ. વિજય સેવક: "શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ" મેળવનાર ડૉ. વિજય સેવકે 'થિયેટર ઇન એજ્યુકેશન' પદ્ધતિનો પરિચય આપતાં શ્રોતાગણ વચ્ચે નાના-નાના પ્રયોગો દ્વારા સૌને પ્રવૃત્તિમય કર્યા હતા.
પદ્મશ્રી ડૉ. રતિલાલ બોરીસાગર: જાણીતા સાહિત્યકાર ડૉ. રતિલાલ બોરીસાગરે જણાવ્યું હતું કે, "સૌએ માપનું અને ખપનું ગ્રહણ કરવું જોઈએ. ટીકા અને પ્રશંસા બંનેમાંથી શીખી શકાય છે." તેમણે ઉમેર્યું કે શિક્ષણ રસાતળ ગયું છે એવું માનનારે આ કાર્યક્રમનું સવારનું સત્ર માણવા જેવું હતું.
પદ્મશ્રી ડૉ. અનિલ ગુપ્તા: આઈઆઈએમના અધ્યાપક ડૉ. અનિલ ગુપ્તાએ પોતાની શોધયાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, "પ્રકૃતિમાં કશું જ જરૂરિયાત કરતાં વધારે નથી હોતું. સમસ્યાની સાથે જીવવા કરતાં તેના ઉકેલ વિશે વિચારવું તે જ નવીનતા છે. દરેક શિક્ષકને એવા વિદ્યાર્થીઓ મળવા જોઈએ જેની પાસેથી કંઈક શીખવા મળે."
"શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો" - ભાઈશ્રી રમેશભાઈ ઓઝા:
કાર્યક્રમના સમાપનમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા એ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, જ્યારે શિક્ષણની પરિસ્થિતિ જોઈને નિરાશા આવે ત્યારે આ સારસ્વત મિત્રો નવી આશા જગાડનાર 'દ્વિજ' છે. "શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો" તે કહેવતને સાર્થક કરવા શિક્ષકે અસાધારણ બનવું પડે છે. શિક્ષકના શબ્દો આહુતિ સમાન છે, જેનાથી વિદ્યાર્થીઓમાં શીખવાની ભૂખનો અગ્નિ પ્રગટ થવો જોઈએ.
આ પ્રસંગે એવોર્ડ ચયન સમિતિના સભ્ય તથા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. ટી. એસ. જોશી, પાર્થેશભાઈ પંડ્યા તેમજ સમિતિના અધ્યક્ષ શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાબરમતી આશ્રમ અમદાવાદના નિયામક અતુલભાઈ પંડ્યાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સાંદીપનિ પરિવારે જહેમત ઉઠાવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
