News of Tuesday, 17th November 2026
જુનાગઢ ગિરનાર જંગલમાં ગિરનાર પરિક્રમા દરમિયાન ભવનાથથી માળવેલા સુધી સરકારી દવાખાના કાર્યરત : યાત્રાળુઓ માટે ખાસ એડવાઇઝરી
૨૦ થી ૨૪ નવેમ્બર દરમિયાન ૩૬ કિમીની પરિક્રમામાં લાખો યાત્રાળુઓ જોડાશે, જીણા બાવાની મઢી, સરકડીયા, માળવેલા, બોરદેવી, ભવનાથ ખાતે તબીબી ટીમો તૈનાત, ખુલ્લામાં વેચાતું ફરસાણ અને અશુદ્ધ પાણી ન પીવા અપીલ, વયોવૃદ્ધોને પરિક્રમા ટાળવા સૂચના

જૂનાગઢ તા.૧૭ : જૂનાગઢ ખાતે આગામી તા. ૨૦/૧૧/૨૦૨૬ થી તા. ૨૪/૧૧/૨૦૨૬ દરમિયાન યોજાનાર પરંપરાગત ગિરનાર લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા જોડાનાર છે. યાત્રાળુઓના આરોગ્યની સુરક્ષા માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા પરિક્રમાના મુખ્ય પડાવો પર સરકારી દવાખાનાઓ કાર્યરત કરવામાં આવશે.
આ સ્થળોએ રહેશે સરકારી દવાખાના જીણા બાવાની મઢી,સરકડીયા,માળવેલા,બોરદેવી,ભવનાથ વિસ્તાર,માળવેલા ઘોડી,નળપાણીની ઘોડી.
આ તમામ સ્થળોએ તબીબી અધિકારી, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ ટીમ અને જરૂરી દવાઓ સાથે અસ્થાયી દવાખાના કાર્યરત રહેશે. સાથે જ એમ્બ્યુલન્સ અને SDRF ટીમ પણ તૈનાત રહેશે, જેથી કોઈ પણ આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક સારવાર મળી રહે.
યાત્રા દરમિયાન કોઈ બીમારીનો ભોગ ન બને તે માટે શ્રદ્ધાળુઓને આરોગ્યપ્રદ તકેદારી રાખવા જણાવાયું છે.ખુલ્લામાં વેચાતા આરોગ્યને હાનિકારક ફરસાણ, વાસી કે પડતર ફળો અને બિનઆરોગ્યપ્રદ ખાણી-પીણીની ચીજવસ્તુઓનું સેવન ટાળવું.
- નદી-નાળા કે અન્ય અશુદ્ધ પાણી પીવાને બદલે માત્ર ક્લોરીનેશન કરેલું શુદ્ધ પાણી જ પીવાના ઉપયોગમાં લેવું.
- પાણીનો બગાડ ન કરવો, પોતાની સાથે સ્ટીલની બોટલ રાખવી.
- આરોગ્ય વિભાગ દ્વારા સૂચવેલા નિયમો અનુસાર જ ખાદ્ય પદાર્થોનું વેચાણ અને ખરીદી કરવી.
- સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં સહકાર આપવો.
પરિક્રમાનો માર્ગ કઠિન અને દુર્ગમ છે, તેથી વયોવૃદ્ધ, બાળકો, ગંભીર અને ચેપી રોગ ધરાવતા લોકો, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે શ્વાસની તકલીફ ધરાવતા લોકોને પરિક્રમાથી દૂર રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે. જૂનાગઢથી ભવનાથ સુધીના ૮ કિલોમીટર વિસ્તારમાં ગંભીર અને ચેપી રોગ ધરાવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પણ બહાર પાડાયું છે.
કોઈ પણ આકસ્મિક સંજોગો કે તબીબી જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક રૂટ પર ઊભા કરાયેલા નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અનુરોધ કર્યો છે.
આ વર્ષે ઓછા વરસાદને કારણે કુદરતી જળસ્ત્રોતોમાં પાણી ઓછું છે, તેથી બોરવેલ મારફતે ૩૦ થી ૩૨ પાણીના સ્ત્રોત ઊભા કરાયા છે. રૂટ પર લાઈટિંગ, પાણી, આરોગ્ય અને સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
