News of Wednesday, 20th May 2026
ગીરની પ્રખ્યાત કેસર કેરીની નિકાસ પર ઈરાન યુદ્ધથી સૌથી માઠી અસર :એક્સપોર્ટ અધવચ્ચે જ અટકી પડ્યું
હોરમુઝ અને ઓમાનની ખાડીના દરિયાઈ માર્ગો પ્રભાવિત થતાં કંડલા પોર્ટથી એકપણ શિપમેન્ટ ગયું નથી

ગીરની પ્રખ્યાત કેસર કેરીના સ્વાદ પર વૈશ્વિક યુદ્ધનું ગ્રહણ લાગ્યું છે. આ વર્ષે કેસરની ગુણવત્તા અને વિદેશમાં માંગ બંને ઉત્તમ છે, પરંતુ અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે કેસરનું એક્સપોર્ટ અધવચ્ચે જ અટકી પડ્યું છે.
તાલાળા ગીરમાં હરાજી શરૂ થાય તે પહેલાં જ મેંગો માર્કેટ દ્વારા ૧૫૦ ટન કેસર કેરી યુ.કે. અને યુ.એ.ઈ. જેવા દેશોમાં નિકાસ કરાઈ હતી. તાલાળામાં અદ્યતન અપેડા (APEDA) એપ્રુવ્ડ પેકિંગ પ્લાન્ટમાં ૩ કિલોના હાઇજેનિક બોક્સ તૈયાર હોવા છતાં, દિવસો સુધી કાર્ગો શિપ ન મળવાને કારણે શિપમેન્ટ અટકી પડ્યા છે. હોરમુઝ અને ઓમાનની ખાડીના દરિયાઈ માર્ગો પ્રભાવિત થતાં કંડલા પોર્ટથી એકપણ શિપમેન્ટ ગયું નથી. પરિણામે, વિદેશમાં ૩ કિલોના જે ભાવો મળતા હતા, તે અત્યારે સ્થાનિક માર્કેટમાં ૧૦ કિલોના પણ નથી મળી રહ્યા, જેનાથી એક્સપોર્ટ પ્લાન્ટ મંદ ગતિએ ચાલી રહ્યો છે.
ગત વર્ષે ૩૭૦ ટનથી વધુ કેસર એક્સપોર્ટ થઈ હતી, જેની સામે આ વર્ષે 500 ટનનો ટાર્ગેટ હોવા છતાં માંડ ૧૦૦ ટન નિકાસ થઈ શકી છે. જો આગામી દિવસોમાં શિપ મળે તો પણ ભાડાં એટલા ઊંચા છે કે વ્યાપારીઓ માટે મોટું આર્થિક જોખમ ઊભું થયું છે.
તાલાળાના અદ્યતન એક્સપોર્ટ પ્લાન્ટમાં આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ હોટ વોટર વોશિંગ અને ૩ કિલોનું ખાસ પેકિંગ તૈયાર છે, પણ ઓર્ડર અટવાયા છે. હવે જોવું રહ્યું કે ઇરાન મડાગાંઠ વહેલી ઉકેલાય છે કે પછી ગીરની કેસરે સ્થાનિક બજાર પર જ નિર્ભર રહેવું પડશે
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
