<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

કચ્‍છના ગાંધીધામમાં પ્રેમીએ જ દુપટ્ટાથી ગળેટૂંપો આપી પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી

સોનલનગરના ભાડાના મકાનમાંથી ૨૪ વર્ષીય મીનાક્ષી પરિહારની લાશ મળી હતીઃ શરૂઆતમાં પોતાને ભાઈ તરીકે ઓળખાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી

 

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧: ગાંધીધામના ભારતનગર સ્‍થિત સોનલનગરમાં ભાડાના મકાનમાંથી ૨૪ વર્ષીય યુવતી મીનાક્ષી લાલસિંહ પરિહારની લાશ મળી આવવાના ચકચારી કેસનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્‍યો છે. યુવતીની હત્‍યા તેના પ્રેમીએ જ કરી હોવાનું સામે આવતા ગાંધીધામ A ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ મધ્‍યપ્રદેશની વતની મીનાક્ષી પરિહાર ગાંધીધામમાં આવેલી એક જ્‍વેલરી શોરૂમમાં નોકરી કરતી હતી. સોનલનગરમાં તે ભાડાના મકાનમાં રહેતી હતી, જ્‍યાંથી તેની લાશ મળી આવતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ હતી.

પોલીસ તપાસ દરમિયાન યુવતી સાથે સંકળાયેલા વ્‍યક્‍તિએ પોતાને તેનો ભાઈ તરીકે ઓળખાવ્‍યો હતો. જોકે, પોલીસ તપાસ આગળ વધતા આ વ્‍યક્‍તિ જ મીનાક્ષીનો પ્રેમી હોવાનું બહાર આવ્‍યું હતું. દરમિયાન મળતદેહના પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાના કારણે મીનાક્ષીનું મોત થયું હોવાનું સ્‍પષ્ટ થયું હતું. જેના પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે હત્‍યાનો ગુનો નોંધીને તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસની તપાસમાં આરોપીએ જ દુપટ્ટા વડે ગળેટૂંપો આપી મીનાક્ષીની હત્‍યા કરી હોવાનું સામે આવ્‍યું છે. આરોપીની ધરપકડ કરી પોલીસે હત્‍યા પાછળનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ અને અન્‍ય પાસાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ રીતે શરૂઆતમાં રહસ્‍યમય લાગતો મીનાક્ષી પરિહારના મોતનો મામલો હત્‍યામાં પરિણમ્‍યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્‍યું છે.

(11:39 AM IST)