<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ગીરના જંગલમાં સિંહના મોઢામાં પાણી આવ્યું પણ માલધારીના એક જ ઈશારે ડાલામથાને પૂંછડી દબાવીને ભાગવું પડ્યું!

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ રોમાંચક વીડિયોએ સર્જ્યા રૂવાડાં ઊભા કરી દે તેવા દ્રશ્યો: ઘેટાં-બકરાંનો શિકાર કરવા આવેલા જંગલના રાજાને એક સામાન્ય લાકડીથી ભગાડી મૂક્યો

ગીર: એશિયાના સિંહોના ગઢ સમાન ગીર જંગલમાંથી એક અત્યંત રોમાંચક અને સાહસથી ભરપૂર વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ધમાલ મચાવી રહ્યો છે. જંગલના રાજા ગણાતા સિંહ સામે સામાન્ય માનવીનું અસ્તિત્વ પણ જોખમમાં મૂકાઈ જતું હોય છે, પરંતુ ગીરના એક માલધારીએ પોતાની અસીમ હિંમત અને સૂઝબૂઝથી એ સાબિત કરી દીધું છે કે સાહસ આગળ જંગલના રાજાએ પણ ઝૂકવું પડે છે. આ વાયરલ વિડીયો જોઈને કોઈપણના રૂવાડાં ઊભા થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે.

 

ઘટનાની વિગત મુજબ, ગીર જંગલના એક રસ્તેથી એક માલધારી પોતાના ઘેટાં અને બકરાંને લઈને પસાર થઈ રહ્યો હતો. અચાનક જ ત્યાં સિંહ આવી પહોંચ્યો હતો. સિંહની સીધી નજર નિર્દોષ ઘેટાં-બકરાં પર ચોંટી ગઈ હતી અને જાણે શિકાર જોઈને તેના મોઢામાં પાણી આવી ગયું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. પરંતુ આ ખતરનાક પરિસ્થિતિમાં પણ માલધારી જરાય ઘભરાયો નહોતો.

 

માલધારીએ ડરવાને બદલે અડગ રહીને પોતાના હાથમાં રહેલી લાકડી સહેજ ઊંચી કરી અને સિંહને એક મક્કમ ઈશારો કર્યો હતો. માલધારીનો આત્મવિશ્વાસ અને નિર્ભયતા એટલી પ્રબળ હતી કે જંગલના રાજાએ પણ પાછળ હટવું પડ્યું. સિંહે પોતાનો ઇરાદો બદલી નાખ્યો અને શાંતિથી ત્યાંથી રવાના થઈ જવું પડ્યું હતું. આ અદભુત દ્રશ્યે સાબિત કરી દીધું કે ગીરની ધરતી પર વસતા માલધારીઓ વનરાજાની આદતો અને તેમની સાથે જીવવાની કળા સારી રીતે જાણે છે.

 

હવે આ અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો માલધારીના આ સાહસના મુક્ત કંઠે વખાણ કરી રહ્યા છે.

 

(9:53 PM IST)