<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

જેતપુરમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી ચાર મહિલાઓએ ઢીકા-પાટુનો મૂઢ માર માર્યો :ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

હિંસક હુમલા પાછળ ઘરગથ્થુ વિવાદ અને જૂના છૂટાછેડાનો ખાર જવાબદાર હોવાનું સામે આવ્યું:ઈજાગ્રસ્ત વકીલ જ્યોતિબેન મકવાણાએ ત્રણ મહિના પહેલા કરણ પરમાર નામના વ્યક્તિ સાથે કાયદેસરના છૂટાછેડા લીધા હતા.

જેતપુર શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના તીનબત્તી ચોક પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસીને ચાર મહિલાઓએ આતંક મચાવ્યો હતો. જૂની અદાવતનો ખાર રાખીને મહિલા વકીલ પર કરવામાં આવેલા આ હુમલાની સમગ્ર ઘટના ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

જેતપુરના વ્યસ્ત ગણાતા તીનબત્તી ચોક પાસે મારુતિ કોમ્પ્લેક્ષ આવેલું છે, જ્યાં મહિલા વકીલ જ્યોતિબેન મકવાણા પોતાની કેબિનમાં હાજર હતા. આ દરમિયાન ઓફિસના પાછળના દરવાજેથી ચાર મહિલાઓ ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશી હતી અને કંઈ પણ સમજ્યા વિના સીધો જ હુમલો કરી દીધો હતો. હુમલાખોર મહિલાઓની ઓળખ રાજલબેન, ચેતનાબેન, મનીષાબેન અને હંસાબેન પરમાર તરીકે થઈ છે. આ ચારેય આરોપી મહિલાઓએ કેબિનમાં ઘૂસીને જ્યોતિબેનને બિભત્સ ગાળો ભાંડી હતી અને ત્યારબાદ તેમને વાળ પકડીને ઢીકા-પાટુનો મૂઢ માર મારવાનું શરૂ કર્યું હતું. ઓફિસની અંદર બનેલી આ ઘટનાથી થોડીવાર માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, આ હિંસક હુમલા પાછળ ઘરગથ્થુ વિવાદ અને જૂના છૂટાછેડાનો ખાર જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત વકીલ જ્યોતિબેન મકવાણાએ આશરે ત્રણ મહિના પહેલા કરણ પરમાર નામના વ્યક્તિ સાથે કાયદેસરના છૂટાછેડા લીધા હતા. આ વાતનો ગુસ્સો મનમાં રાખીને કરણ પરમારના પરિવાર કે સંબંધીઓ તરફથી આ હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં નોંધાવવામાં આવી છે. જ્યારે કેબિનમાં જ્યોતિબેનને બેરહેમીથી માર મારવામાં આવી રહ્યો હતો, ત્યારે ઓફિસમાં હાજર અન્ય સ્ટાફ અને લોકો તાત્કાલિક વચ્ચે પડ્યા હતા. તેમણે ભારે જહેમત બાદ વકીલને આ હુમલાખોર મહિલાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા.

 

વચ્ચે પડેલા લોકોના કારણે વધુ માર ખાતા બચી ગયેલા વકીલ જ્યોતિબેનને જોઈને આરોપી મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને જતી વખતે તેમને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. ત્યારબાદ આ ચારેય મહિલાઓ કોમ્પ્લેક્સ નીચે પાર્ક કરેલી પોતાની ફોર-વ્હીલર ગાડીમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ હતી. હુમલાના કારણે જ્યોતિબેનને શરીરના ભાગે ઈજાઓ થઈ હોવાથી, તાત્કાલિક ૧૧૨ અને ૧૦૮ની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે જેતપુર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય હુમલાખોર મહિલાઓ વિરુદ્ધ રાયોટિંગ અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:03 PM IST)