<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

લાલ સમુદ્રમાં સલાયા-સિક્કાના ખલાસીઓ સાથેના વહાણ પર હુમલો : યમનમાં 14 ભારતીયોનો બચાવ :તમામ સુરક્ષિત : જુઓ વિડીયો

યમનના ઝુકાર ટાપુ નજીક ઘટના બની : ભારતીય ખલાસીઓને હુદૈદાહમાં હોટેલમાં રખાયા : ભારતીય દૂતાવાસે સુરક્ષાની પુષ્ટિ કરી

(કૌશલ સવજાણી  દ્વારા) ખંભાળિયા તા.૨૪ : લાલ સમુદ્રમાં યમનના ઝુકાર ટાપુ નજીક 14 ભારતીય ખલાસીઓ સવાર વહાણ ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે. હુમલા બાદ વહાણમાં આગ લાગી હતી અને તેને ભારે નુકસાન થયું હતું. જોકે વહાણમાં સવાર તમામ 14 ભારતીય ખલાસીઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.

 

Salalah Marine Transport Co. સાથે સંકળાયેલું અને ઓમાનનો ધ્વજ ધરાવતું આ વહાણ 21 ઓક્ટોબર 2026ના રોજ હુમલાનું ભોગ બન્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.

 

યમન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હુથી સૈન્ય પ્રવક્તા યાહ્યા સારીએ દાવો કર્યો છે કે સાઉદી દળોએ ઝુકાર ટાપુ નજીક ભારતીય યાટને ટાર્ગેટ કરી હતી અને યમનના સશસ્ત્ર દળોએ 14 ભારતીયોને રેસ્ક્યુ કર્યા છે. આ તમામને લાલ સમુદ્ર કિનારે આવેલા હુદૈદાહ વિસ્તારમાં એક હોટેલમાં રાખવામાં આવ્યા છે અને રહેવા, જમવા અને કપડાં સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. 

 

ભારતીય દૂતાવાસે 23 ઓક્ટોબર 2026ના રોજ જણાવ્યું હતું કે તમામ 14 ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને હુદૈદાહમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે વિવિધ પક્ષો અને કોમ્યુનિટી મેમ્બર્સ મારફતે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી તેમની સુખાકારી સુનિશ્ચિત કરી ભારત પરત લાવી શકાય. 3798

 

ભારતીય દૂતાવાસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હુમલાની જવાબદારી અને સંજોગો અંગે હજુ તથ્યો તપાસાઈ રહ્યા છે. 

 

પ્રાથમિક માહિતી મુજબ આ 14 ખલાસીઓમાં સલાયા તેમજ સિક્કા ગામના લોકો પણ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ક્યારે અને કયા માર્ગે ભારત પરત ફરશે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

(1:04 PM IST)