News of Wednesday, 30th September 2026
ખંભાળિયાના જાણીતા લોહાણા અગ્રણી અને અકિલાના પૂર્વ એજન્ટ કિશોરભાઈ લાલનું વાહન અકસ્માતમાં કરુણ નિધન
મહાપ્રભુજી બેઠક પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પાછળથી જોરદાર ઠોકર મારતાં હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો : લોહાણા સમાજમાં ઘેરા શોકની કાલિમા છવાઈ

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના જાણીતા લોહાણા અગ્રણી કિશોરભાઈ પી. લાલ (ઉં.વ. ૭૦)નું એક માર્ગ અકસ્માતમાં કરુણ નિધન થતાં સમગ્ર લોહાણા સમાજ સહિત સ્થાનિક પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
બનાવની વિગત મુજબ, કિશોરભાઈ લાલ મહાપ્રભુજી બેઠક પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા ફોરવ્હીલ વાહનના ચાલકે તેમને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં કિશોરભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને તુરંત સારવાર અર્થે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતાં જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
૭૦ વર્ષની વય ધરાવતા સ્વ. કિશોરભાઈ લાલ ભૂતકાળમાં વાજબી ભાવની દુકાન (સસ્તા અનાજની દુકાન) ચલાવતા હતા. આ ઉપરાંત તેઓ વર્ષો સુધી પ્રસિદ્ધ સાંધ્ય દૈનિક 'અકિલા'ના એજન્ટ તરીકે પણ કાર્યરત રહ્યા હતા, જેના કારણે તેઓ બહોળો મિત્રવર્ગ અને સેવાભાવી છાપ ધરાવતા હતા. તેમના અચાનક અને કરુણ અવસાનથી સ્થાનિક લોહાણા સમાજમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.
પરિવારમાં બે પુત્રો અને એક પુત્રીના પિતા એવા કિશોરભાઈના નિધનને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા ફોરવ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, વાહનની શોધખોળ સહિત આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
