News of Thursday, 28th May 2026
કચ્છના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની મુલાકાતને પગલે સમગ્ર જિલ્લો 'નો-ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરાયો
કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાતને કારણે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ : જિલ્લા કલેક્ટરે સમગ્ર કચ્છને આગામી બે દિવસ માટે ‘નો-ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કર્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની આગામી મહત્વપૂર્ણ કચ્છ મુલાકાતને ધ્યાનમાં રાખીને સરહદી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. ગૃહમંત્રીની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય તે માટે કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, સમગ્ર કચ્છ જિલ્લાને આગામી બે દિવસ માટે 'નો-ડ્રોન ફ્લાય ઝોન' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, આગામી બે દિવસ સુધી જિલ્લાની ભૌગોલિક સીમામાં કોઈપણ ખાનગી વ્યક્તિ કે સંસ્થા દ્વારા ડ્રોન કે અન્ય હવાઈ ઉપકરણો ઉડાવવા પર સખત પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધિત સાધનોમાં ડ્રોન કેમેરા, પાવર્ડ એરક્રાફ્ટ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, પેરા જમ્પિંગ તેમજ પેરા મોટર સહિતના તમામ પ્રકારના રિમોટ સંચાલિત કે માનવરહિત હવાઈ સાધનોનો સમાવેશ થાય છે. સુરક્ષા એજન્સીઓની સલાહ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આ કડક નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં મૂકી દેવાયો છે.
અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે રાત્રે જ સરહદી જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આવી પહોંચશે. તેમની આ ઉચ્ચસ્તરીય મુલાકાતને લઈને સ્થાનિક વહીવટી તંત્ર, ગુજરાત પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. ભુજ એરપોર્ટથી લઈને તેમના કાર્યક્રમના સ્થળો અને રોકાણની જગ્યાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વન વિભાગ, સરહદ સુરક્ષા દળ (BSF) અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
