<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જેઠની હત્‍યા કરીને પુરાવાનો નાશ કરનારભાભી- ભત્રીજા-ભત્રીજી સહિત પને આજીવન કેદ

પોરબંદર કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ દૃશ્‍યમ સ્‍ટાઇલથી જેઠનું કાસળ કાઢી નાખનાર વિધવા ભાભીનું ખુની કાવતરૂં નિષ્‍ફળ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮: મિલકત માટે જેઠની હત્‍યા કરીને પુરાવાનો નાશ કરનાર ભાભી-ભત્રીજી સહિત પાંચને આજીવન કેદનો ઐતિહાસિક ચુકાદો પોરબંદર કોર્ટ દ્વારા અપાયો છે.

છાંયા ચોકી વિસ્‍તારમાં વર્ષ ર૦૧૯માં બનેલા અને સમગ્ર રાજયમાં ભારે ચકચાર જગાડનાર મિલકત પચાવી પાડવાના ઇરાદે થયેલા મર્ડર, અપહરણ અને કાવતરાના કેસમાં પોરબંદરની એડીશનલ સેશન્‍સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. મિલકતની લાલચમાં પોતાના જ સગા જેઠની હત્‍યા કરી, લાશને સગેવગે કરનાર વિધવા ભાભી અને તેમના પરિવારના સભ્‍યોને અદાલતે જીવતે જીવ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

કમલાબાગ પોલીસ મથકમાં નોંધાયેલ એફઆઇઆર મુજબ, ફરિયાદી હિનાબેન હિતેષકુમાર જોષીના સસરાની કિંમતી મિલકતો હડપવા માટે આરોપી ભાભી જયોતીબેન નિલેષભાઇ જોષીએ ‘દ્રશ્‍યમ' ફિલ્‍મી પટકથા જેવું કાવતરૂં રચ્‍યું હતું. ર૬/૦૪/ર૦૧૯ની રાત્રે હથિયારો સાથે ઘરમાં ઘૂસી, હિતેષભાઇ અને પરિવારનું અપહરણ કરી, તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ફરિયાદીએ બેભાન હોવાનો ઢોંગ કરી પોતાની જાન બચાવી હતી અને બાદમાં આ આખાય ખૂની ખેલનો પર્દાફાશ કર્યો હતો.

આ કેસમાં એક આરોપી કૃપાબેન નિલેષભાઇ જોષી ગુના સમયે ૧૬ વર્ષ અને ૬ માસની કિશોર વયના હોવા છતાં, ગુનાની અત્‍યંત ભયાનકતા અને ગંભીરતાને જોતા નામદાર અદાલતે તેને ‘જુવેનાઇલ જસ્‍ટિસ એકટ'ની કલમ-૧પ હેઠળ પુખ્‍ત વયની ગણીને કેસ ચલાવ્‍યો હતો. ન્‍યાયતંત્રે આ ચુકાદાથી સાબિત કર્યું છે કે જઘન્‍ય અપરાધમાં ઉંમરના નામે કોઇ રાહત મળી શકે નહીં, અને આ કિશોરીને પણ અન્‍ય આરોપીઓની જેમ જ આજીવન કેદની સજા ફટકારી છે.

તકસીરવાન ઠરેલા આ કેસના આરોપીઓ અને સંબંધોમાં જયોતી નિલેષ જોષી (વિધવા ભાભી-મુખ્‍ય સૂત્રધાર) વિભૂતિબેન શિવમ જોષી (ભત્રીજી), રવિ નિલેષભાઇ જોષી (ભત્રીજો), યશ અશોકભાઇ પાંજરી (મિત્ર) તથા કિશોરી કૃપાબેન નિલેષભાઇ જોષી (ભત્રીજી) છે.

આ કેસને અદાલતમાં પુરવાર કરવા માટે સરકારી વકીલ શ્રી અનિલ જે. લીલા એ મજબૂત રજૂઆત કરી હતી. જયારે મૂળ ફરિયાદ પક્ષે પ્રાઇવેટ વકીલ તરીકે શ્રી હર્ષ કે. લાખાણી, ગગન એલ. થાપલિયા અને શ્રીમતી દિપ્‍તી એન. ચોટાઇ રોકાયેલા હતા. આ ટીમે લેખિત દલીલ તથા સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરી ટેકનિકલ, વૈજ્ઞાનિક અને પારિસ્‍થિતિક પુરાવાઓના આધારે ગુનો નિઃશંકપણે પુરવાર કર્યો હતો અને મૂળ ફરિયાદી હીનાબેનને ન્‍યાય અપાવવામાં સફળતા પ્રાપ્‍ત કરેલ હતી.

(5:31 PM IST)