News of Sunday, 26th April 2026
“પહેલાં મતદાન, પછી લગ્ન”: જામનગરની યુવતી મીરા પરમારે લગ્ન પહેલાં લગ્નના શૃંગારમા પહોંચીને નિભાવી લોકશાહીની ફરજ
ગુલાબનગર વિસ્તારમાં લગ્નની વ્યસ્તતા વચ્ચે મતદાન મથકે પહોંચી યુવતીએ યુવા પેઢીને આપ્યો પ્રેરણાદાયી સંદેશ, પરિવારજનોએ વધાવ્યો નિર્ણય; વહીવટી તંત્રએ કરી મહત્તમ મતદાનની અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી લોકશાહી પ્રત્યેની નિષ્ઠાનું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. ગુલાબનગર વિસ્તારમાં રહેતી મીરા પરમાર નામની યુવતીએ પોતાના લગ્નના દિવસે જાન પ્રસ્થાન પહેલા મતદાનને પ્રાથમિકતા આપીને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રવિવારે મીરા પરમારના લગ્ન હતા. લગ્નની વ્યસ્તતા અને તૈયારીઓ વચ્ચે પણ તેણે પોતાના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગ પહેલા લોકશાહીની ફરજને મહત્વ આપ્યું. યુવતી લગ્નના કપડામાં જ મતદાન મથક પર પહોંચી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મીરાના આ નિર્ણયને તેના પરિવારજનો અને સગાસંબંધીઓએ વધાવી લીધો હતો અને યુવતીની પ્રશંસા કરી હતી. લગ્ન પહેલા મતદાનને પ્રાથમિકતા આપીને મીરાએ ખાસ કરીને યુવા પેઢીને મતદાન કરવા માટે પ્રેરિત કરી છે.
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. મીરા પરમારના આ પગલાથી મતદાન મથક પર ઉપસ્થિત અન્ય મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
