News of Saturday, 18th July 2026
શાસ્ત્ર-સંતોના વચનમાં વિશ્વાસથી જીવનમાં સાચી-દિશા મળેઃ ડો.મહાદેવપ્રસાદ મહેતા
અયોધ્યામા જુનાગઢ જિલ્લાના મેંદરડાના શ્રી ખાખીમઢી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ.સુખરામદાસબાપુના સાનિધ્યમા ત્રીજા દિવસની શ્રી રામકથાનો વિરામ : અવધ મે આનંદ ભયો...જય રઘુવીર રામકી...ના નાદ સાથ ેશ્રી રામ ભગવાનના જન્મોત્સવની ઉજવણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૮: શ્રી રામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યાને આંગણે જુનાગઢ જિલ્લાના મેંદરડામાં આવેલ શ્રી ખાખીમઢી રામજી મંદિરના મહામંડલેશ્વર પૂ.સુખરામદાસબાપુના સાનિધ્યમાં આયોજિત શ્રી રામકથાના ત્રીજા દિવસે ભક્તોનો મોટો સમુદાય ઉમટયો હતો.મેંદરડાના શ્રી ખાખીમઢી રામજી મંદિરના વિકાસ હેતુ આયોજિત આ દિવ્ય કથામાં ડો. મહાદેવપ્રસાદ મહેતા(વિદ્યા વાચસ્પતિ)એ પોતાના શ્રીમુખથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની દિવ્ય ગાથાનું રસપાન કરાવ્યુ હતું.
વ્યાસપીઠ પરથી ડો.મહાદેવપ્રસાદ મહેતા(વિદ્યા વાચસ્પતિ)એ જણાવ્યું કે ધર્મ હોય તો નિર્ણય બરાબર થાય છે,જીવનમાં આપણે જે પણ નિર્ણય લઈએ, તે જો ધર્મ, સત્ય અને નીતિને આધારે લેવામાં આવે તો તેનાથી કયારેય પસ્તાવો થતો નથી. ભગવાન શ્રી રામે પણ સમગ્ર જીવનમાં ધર્મને જ પ્રથમ સ્થાન આપ્યું હતું.
ડો.મહાદેવપ્રસાદ મહેતાએ કહ્યું કે માણસની સાચી ઓળખ તેના ચરિત્રથી થાય છે. શ્રેષ્ઠ ચરિત્રના નિર્માણ માટે સત્ય, ત્યાગ, સેવા, કરુણા અને સંયમ જેવા સારા ગુણો અપનાવવા જરૂરી છે. રામચરિત્ર એ જગત માટે ચરિત્ર નિર્માણની સૌથી મોટી શાળા છે. જ્યારે જીવનમાં શ્રદ્ધા, વિશ્વાસ અને સદ ગ્રંથોનો સાથ મળે છે ત્યારે મનના બધા તર્ક-વિતર્ક આપોઆપ મટી જાય છે. શાષા અને સંતોના વચનમાં વિશ્વાસ રાખવાથી જીવનમાં શાંતિ અને દિશા મળે છે.
શ્રીરામ કથાના વિરામ બાદ સમગ્ર આશ્રમ પરિસર અવધ મે આનંદ ભયો... જય રઘુવીર રામકી...ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ ભજન, કીર્તન અને જયઘોષ સાથે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ સમગ્ર કથાનું લાઈવપ્રસારણ ડો.મહાદેવપ્રસાદ મહેતાની યુટયુબ ચેનલ ઉપર કરવામાં આવી રહ્યું છે, જેથી દેશ-વિદેશમાં બેઠેલા રામભક્તો પણ આ દિવ્ય લાભ લઈ શકે. મહામંડલેશ્વર પૂ.સુખરામદાસબાપુ સહિત આયોજકોનું કહેવું છે કે આ કથા દ્વારા સમાજમાં ભગવાન રામના આદર્શોને ફેલાવવાનો અને લોકોમાં ધાર્મિક ભાવના જગાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
