News of Wednesday, 15th April 2026
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ કાલથી પ્રચાર વેગવંતો
કોર્પોરેશન, નગરપાલિકા, જીલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય પક્ષોના અસંખ્ય ઉમેદવારો મેદાનમાં

રાજકોટ, તા., ૧૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની સ્થાનીક સ્વરાજયની ચુંટણી માટે આજે બપોરના ૩ વાગ્યા સુધી ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચી શકશે અને ત્યાર બાદ સાંજ સુધીમાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
કાલથી સર્વત્ર પ્રચાર વેગવંતો થશે.ઉમેદવારો જાહેરસભા, રોડ-શો, રૂબરૂ મુલાકાતો, મિટીંગોમાં વ્યસ્ત થઇ જશે.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને અનુલક્ષીને સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને વિવિધ નગરપાલિકાઓની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ બહુમાળી ભવન ખાતે આવેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ચ્સ્પ્ સ્ટ્રોંગ રૂમથી સંબંધિત ચૂંટણી અધિકારીઓને મતદાન મથક વાઈઝ EVM - BU તથા CUની ફાળવણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા સંપૂર્ણ સુરક્ષા સાથે હાથ ધરવામાં આવી હતી, જેમાં બંધ બોડીના વાહનોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં EVM મોકલવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે નિયમ મુજબ ૧૫ ટકા વધારાના રિઝર્વ EVMની ફાળવણી કરવામાં આવી હતી.
ચૂંટણી પ્રક્રિયાના આજે ઉમેદવારી પત્રો ખેંચાયા બાદ ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ મતપત્રોની છપામણીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ જ EVM પ્રિપેરેશનની સઘન તૈયારીઓ વિધિવત રીતે હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી યોજવા માટે તમામ જરૂરી પગલાં લેવાશે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
