News of Friday, 22nd May 2026
વાસણ સાફ કરવા મામલે પિતાએ ઠપકો આપતાં અઢાર વર્ષની આશાનો આપઘાત
ત્રંબાના વડાળીમાં વાડીએ બનાવઃ મજૂર પરિવારમાં ગમગીની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ પરંતુ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૨૨: સંતાનોને માવતર દ્વારા ઘણીવાર કોઇ વાતે ઠપકો અપાતો હોય છે. પણ કયારેક સહનશક્તિના અભાવને કારણે માઠુ લાગી જતાં સંતાનો અવળુ પગલુ ભરતાં હોય છે. આવી જ એક ઘટના રાજકોટના ત્રંબા નજીકના વડાળી ગામે બની છે. જેમાં એક અઢાર વર્ષની યુવતિને વાસણ સાફ કરવા બાબતે પિતાએ ઠપકો આપતાં માઠુ લાગી જતાં તેણીએ આપઘાત કરી લીધો છે.
પ્રાપ્ત વિગત મુજબ વડાળી ગામે પરિવારજનો સાથે જયભાઇ ડાભીની વાડીમાં રહેતી આશાબેન બલાભાઇ ખોટ (કોળી) (ઉ.વ.૧૮) નામની યુવતિએ ગત સાંજે વાડીએ ઝેરી દવા પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર આશાબેન સાત બહેનમાં ચોથી હતી. આ પરિવાર મુળ અરવલ્લીના બાયડ તાબેના ગામનો વતની છે. ઘણા સમયથી વડાળી રહી ખેત મજૂરી કરે છે. પિતા બલાભાઇ ભુટાભાઇએ જણાવ્યું હતું કે બપોરે જમી લીધા પછી સાંજ સુધી વાસણ સાફ કરવામાં આવ્યા ન હોઇ આથી તેણે દિકરી આશાને આ અંગે ધ્યાન દોરી ઠપકો દીધો હતો. આ વાતનું માઠુ લાગી જતાં બધા ખેતીના કામમાં વ્યસ્ત હતાં ત્યારે તેણીએ ઝેરી દવા પી લીધી હતી અને સારવારમાં મૃત્યુ થયું હતું
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
